
રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની નોટિસ મળતા એક યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત શહેરના બેડીપરા વિસ્તારમાં એક પરિણીતાએ ફિનાઇલ પીને તેમજ મેટોડા જીઆઇડીસીમાં એક યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણેય બનાવોમાં ગંભીર હાલતમાં ઈજાગ્રસ્તોને તુરંત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે તમામ બનાવો અંગે આગળની તપાસ હાથ ધરી છે.
જંગલેશ્વર વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષીય આબીદ લક્ષ્મણભાઈ કડીવાર નામનો યુવક મધરાતે પોતાના ઘરે હતો ત્યારે તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવા પી લીધા બાદ યુવકની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. યુવકના કુટુંબમાં પાંચ ભાઈઓ છે જેમાં તે વચેટ છે અને અપરિણીત છે.
યુવકને તા.૧૦/૧૧ ના રોજ ઘરમાંથી ડિમોલિશન અંગેની નોટિસ મળી હતી. આ નોટિસ મળ્યા બાદ માનસિક તણાવમાં આવી જઈને તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
બીજા બનાવમાં શહેરના બેડીપરા વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય ચચીનાબેન બાપીભાઈ ધોશ નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. તબિયત બગડતાં જ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.
ત્રીજી ઘટનામાં મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય વિજય ચમરુભાઈ રાવ નામના યુવકે પોતાના નિવાસ્થાને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ તેને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ બંને ઘટનાઓ અંગે કેસ નોંધી આપઘાતના પ્રયાસ પાછળના કારણો જાણવા કાયદેસરની તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt