
રાજકોટ, 11 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્ય સરકારની પારદર્શી વહીવટી કાર્યપ્રણાલી અને સેવા સેતુ કાર્યક્રમ છેવાડાના માનવી માટે આર્થિક ઉન્નતિ તથા સશક્તિકરણનું મજબૂત સેતુ સાબિત થઈ રહ્યા છે. ઉપલેટા તાલુકામાં યોજાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં વહીવટી તંત્રની ત્વરિત કામગીરીનો ઉત્કૃષ્ટ દાખલો સામે આવ્યો છે, જ્યાં ડિજિટલ પ્લેટફોર્મના યોગ્ય ઉપયોગથી ખેડૂતને આધુનિક ખેતી તરફ આગળ વધવા માટે મોટી આર્થિક રાહત પ્રાપ્ત થઈ છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાગવદર ગામના ધરતીપુત્ર વિજયકુમાર મેરામણભાઈ ભાદરકાએ પોતાની ખેતીકામને આધુનિક અને સરળ બનાવવા માટે ગુજરાત સરકારના ડિજિટલ પ્લેટફોર્મ ‘i-Khedut પોર્ટલ’ મારફતે પાવર થ્રેશરની ખરીદી માટે સહાય મેળવવા અરજી કરી હતી. આ ડિજિટલ પ્રક્રિયાને કારણે કોઈપણ પ્રકારની અડચણ કે વિલંબ વગર રાજ્ય સરકાર દ્વારા તેમની અરજી નિયમાનુસાર સ્વીકારી મંજૂર કરવામાં આવી હતી.
અરજી મંજૂર થતાં જ વિજયભાઈને પાવર થ્રેશર વસાવવા માટે રૂ. ૨.૨૫ લાખની માતબર સબસિડી સીધી સહાય સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. વહીવટી તંત્રની આ ત્વરિત અને સુચારુ કામગીરીના પરિણામે ખેડૂતને આધુનિક કૃષિ સાધન મેળવવામાં સફળતા મળી છે, જેનાથી ખેતીકામમાં સમય અને શ્રમ બંનેની બચત થશે.
આ સહાય મળવાથી સીધા ખાતામાં નાણાં જમા થતાં ખેડૂત પરથી આર્થિક ભારણ ઘટ્યું છે. ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવાની સરકારી નીતિ અને વહીવટી તંત્રની પારદર્શી કાર્યશૈલીને કારણે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોનું જીવન ધોરણ સુધરી રહ્યું છે અને આધુનિક કૃષિ ક્ષેત્રે નવી આશાનો સંચાર થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt