આજથી મધ્યપ્રદેશના ખંડવામાં બે દિવસીય ‘રાષ્ટ્રીય કિશોર કુમાર અલંકરણ સમારોહ’
આવતીકાલે રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માનથી સન્માનિત થશે ફિલ્મ અભિનેતા રઘુવીર યાદવ, સંગીત સંધ્યામાં ગુંજશે સુદેશ ભોસલેનો અવાજ ખંડવા (મધ્યપ્રદેશ), નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.). બહુમુખી કલાકાર કિશોર કુમારની પુણ્ય સ્મૃતિના અવસરે, તેમની જન્મભૂમિ ખંડવા
સાંકેતિક


- આવતીકાલે રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માનથી સન્માનિત થશે ફિલ્મ અભિનેતા રઘુવીર યાદવ, સંગીત સંધ્યામાં ગુંજશે સુદેશ ભોસલેનો અવાજ

ખંડવા (મધ્યપ્રદેશ), નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.). બહુમુખી કલાકાર કિશોર કુમારની પુણ્ય સ્મૃતિના અવસરે, તેમની જન્મભૂમિ ખંડવામાં બે દિવસીય ‘રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માન અલંકરણ સમારોહ અને ગીત-સંગીત સંધ્યા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકારના સંસ્કૃતિ વિભાગ દ્વારા જિલ્લા પ્રશાસનના સહયોગથી ખંડવાના પોલીસ ગ્રાઉન્ડમાં આયોજિત આ સમારોહનો આજે સાંજે 7.00 વાગ્યે ભવ્ય પ્રારંભ થશે. સમારોહમાં બીજા દિવસે 13 ઓક્ટોબરના રોજ સુવિખ્યાત અભિનેતા રઘુવીર યાદવને રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માનથી સન્માનિત કરવામાં આવશે.

સંસ્કૃતિ વિભાગના સંચાલક એનપી નામદેવે જણાવ્યું કે, કિશોર કુમારની સ્મૃતિમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા દર વર્ષે આ રાષ્ટ્રીય સન્માન પ્રદાન કરવામાં આવે છે. રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માન વર્ષ 2026 સુવિખ્યાત અભિનેતા રઘુવીર યાદવને અભિનય માટે પ્રદાન કરવામાં આવશે.

નામદેવે જણાવ્યું કે, દર વર્ષે કિશોર કુમારની જન્મભૂમિ ખંડવામાં આ ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આયોજનમાં પહેલા દિવસે સાંજે 7 વાગ્યાથી ‘યે શામ મસ્તાની’ ગીત-સંગીત સંધ્યામાં સ્થાનિક યુવા ગાયક કલાકારોની પ્રસ્તુતિ થશે. આ કલાકારોમાં સુનીલ શર્મા, સંધ્યા ગ્રેવાલ, અંકુશ પટેલ, રજત લાડ, રોશની પહેલવાન અને પૂજા પુરાનો સમાવેશ થાય છે. કાર્યક્રમનું સંચાલન પ્રદીપ જૈન કરશે.

તેમણે જણાવ્યું કે, બીજા દિવસે કિશોર કુમારની પુણ્ય સ્મૃતિના અવસરે રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માન અલંકરણ સમારોહ અને ગીત-સંગીત સંધ્યાનું આયોજન થશે. આ અવસરે રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માન વર્ષ– 2026 થી સુવિખ્યાત અભિનેતા રઘુવીર યાદવને સન્માનિત કરવામાં આવશે. અલંકરણ સમારોહ પછી સુવિખ્યાત ગાયક સુદેશ ભોસલે અને સાથી, મુંબઈની ગીત-સંગીત પ્રસ્તુતિ થશે. કાર્યક્રમ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે, જેમાં પ્રવેશ નિ:શુલ્ક રહેશે.

1997 થી પ્રદાન કરવામાં આવી રહ્યું છે, રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માન

મધ્યપ્રદેશ સરકાર, સંસ્કૃતિ વિભાગનું સુપ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માન વર્ષ 1997 થી પ્રદાન કરવામાં આવી રહ્યું છે. આ સન્માન અત્યાર સુધીમાં 29 વિભૂતિઓને પ્રદાન કરવામાં આવ્યું છે. વિભાગ દ્વારા આ સન્માન સિનેમાના ક્ષેત્રમાં દિગ્દર્શન, અભિનય, પટકથા તથા ગીત લેખન માટે સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સન્માન ઉત્કૃષ્ટતા, દીર્ઘ સાધના, શ્રેષ્ઠ ઉપલબ્ધિના માપદંડોના આધારે દેય છે. આમાં સન્માન સ્વરૂપે રૂપિયા 5 લાખ (કર મુક્ત) રકમ અને પ્રશસ્તિ પટ્ટિકા પ્રદાન કરવામાં આવે છે.

રઘુવીર યાદવનો જીવન પરિચય

રઘુવીર યાદવ, ભારતીય રંગમંચ અને સિનેમાના બહુમુખી અને સશક્ત અભિનેતા, ગાયક અને સંગીતકાર છે. તેમનો જન્મ 25 જૂન, 1957 ના રોજ જબલપુર, મધ્યપ્રદેશમાં થયો હતો. રંગમંચથી પોતાની અભિનય યાત્રાનો પ્રારંભ કર્યા પછી તેમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી), નવી દિલ્હીથી તાલીમ મેળવી અને લાંબા સમય સુધી રંગકર્મી તરીકે જોડાયેલા રહ્યા. તેમણે ‘મેસી સાહેબ’ (1985) થી ફિલ્મોમાં ઉલ્લેખનીય શરૂઆત કરી. આ ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને FIPRESCI ક્રિટિક્સ એવોર્ડ, વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ (1986) અને આઈએફએફઆઈનો સિલ્વર પીકોક સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર (1987) મળ્યો. ‘સલામ બોમ્બે!’, ‘બેન્ડિટ ક્વીન’, ‘દિલ સે’, ‘લગાન’, ‘વોટર’, ‘પીપલી લાઈવ’ જેવી ફિલ્મોમાં તેમણે પોતાના સહજ, સ્વાભાવિક અને ચરિત્ર કેન્દ્રિત અભિનયથી અલગ ઓળખ બનાવી. તાજેતરના વર્ષોમાં ‘પંચાયત’ માં તેમના ‘પ્રધાનજી’ ના પાત્રે તેમને નવી પેઢીના દર્શકો વચ્ચે પણ વ્યાપક લોકપ્રિયતા આપી.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande