
ભાવનગર, 13 ઓક્ટોબર (હિ.સ.)સિહોર તાલુકામાં લાભાર્થીઓને આરોગ્યલક્ષી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી PMJAY આયુષ્માન કાર્ડ કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવી આપવાની કામગીરી કરવામાં આવી હતી.
સિહોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢ હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર, આંબલાની ટીમ દ્વારા આંગણવાડી ખાતે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઉપસ્થિત લાભાર્થીઓને PMJAY આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યાં હતાં. આ કામગીરીના માધ્યમથી લાભાર્થીઓને આરોગ્યલક્ષી સરકારી યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
તે ઉપરાંત, અર્બન હેલ્થ સેન્ટર, સિહોરની ટીમ દ્વારા તરસિંગડા વિસ્તારની એકતા સોસાયટી ખાતે પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે જ કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ થતાં લાભાર્થીઓને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં સરળતા રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
PMJAY આયુષ્માન ભારત યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોને આરોગ્ય સેવાઓનો લાભ મળી રહે તે માટે આયુષ્માન કાર્ડ મહત્ત્વપૂર્ણ છે. આરોગ્ય વિભાગ દ્વારા લાભાર્થીઓ સુધી યોજનાની માહિતી અને સુવિધાઓ પહોંચાડવા માટે કરવામાં આવતી આવી કામગીરીથી નાગરિકોમાં આરોગ્ય યોજનાઓ અંગે જાગૃતિ વધે છે. સાથે જ, વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓ આયુષ્માન કાર્ડ મેળવી યોજનાનો લાભ લઈ શકે તે દિશામાં પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA