
નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય સહ મીડિયા પ્રભારી પ્રદીપ ભંડારીએ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર એક મહિલા પત્રકાર સાથે કથિત ધક્કામુક્કી કરવાનો આરોપ લગાવ્યો છે. ભંડારીના મતે, વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહેલી મહિલા પત્રકાર રિચાને રાહુલ ગાંધીએ, કથિત રીતે પકડીને ખેંચી અને જમીન પર પાડી દીધી, જેના પછી તેની તબિયત બગડી ગઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.
પ્રદીપ ભંડારીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસની સોશિયલ મીડિયા પર ટીકા કરી. તેમણે કહ્યું કે, મહિલા પત્રકાર ફક્ત વિરોધ પ્રદર્શનનું રિપોર્ટિંગ કરી રહી હતી અને તે રાહુલ ગાંધીને કોઈ સવાલ પણ પૂછી રહી ન હતી. આ છતાં તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ ગંભીર છે.
ભંડારીએ કહ્યું કે, ભાજપના નેતાઓએ હોસ્પિટલ જઈને મહિલા પત્રકાર સાથે મુલાકાત કરી. તેમના અનુસાર, પત્રકારે વાતચીત દરમિયાન આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ તેમનો ખભો પકડીને ખેંચ્યો, જેના કારણે તે જમીન પર પડી ગઈ. ભંડારીએ એવો પણ આરોપ લગાવ્યો કે, ઘટના સમયે કોંગ્રેસના કોઈ કાર્યકર્તાએ પત્રકારની મદદ ન કરી, બલ્કે તેમની વિરુદ્ધ જ સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો.
ભાજપના નેતાએ રાહુલ ગાંધીના મહિલા સન્માન અને પિતૃસત્તા વિરુદ્ધ આપવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમના સાર્વજનિક નારાઓ અને કથિત વર્તન વચ્ચે વિરોધાભાસ દેખાય છે. તેમણે આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, સાર્વજનિક જીવનમાં મહિલાઓના સન્માન તથા પત્રકારોની સુરક્ષાને ગંભીરતાથી લેવી જોઈએ.
ભંડારીએ કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સાથે રાહુલ ગાંધીના કથિત વર્તનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે, રાહુલ ગાંધીએ તેમને પણ પાછળની તરફ ધકેલ્યા. જોકે, આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ આવશ્યક છે.
ભાજપના નેતાએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના, ચર્ચિત નારા ‘લડકી હું, લડ સકતી હું’ નો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પાસેથી, મહિલા સન્માનના મુદ્દે જવાબ માંગ્યો. તેમણે કહ્યું કે, મહિલા પત્રકાર સાથે બનેલી કથિત ઘટના પર રાજકીય પક્ષોએ પોતાની જવાબદારી સ્પષ્ટ કરવી જોઈએ. પ્રદીપ ભંડારીએ ઘાયલ પત્રકારના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી અને આશા વ્યક્ત કરી કે, તે જલ્દી સ્વસ્થ થઈને ફરીથી પત્રકારત્વના ક્ષેત્રમાં પાછા ફરશે.
હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ