



- તલવાર સાથે 200 ક્ષત્રિયાણીઓનો રાસ
- બાઇક-ખુલ્લી જીપ પર ઊભા રહી તલવાર બાજી
- એક મહિનાની તાલીમ બાદ મહિલાઓ અને દીકરીઓએ કર્યું કૌશલ્યનું પ્રદર્શન
રાજકોટ,13 ઓકટોબર (હિ.સ.) નવરાત્રી એટલે શક્તિની ઉપાસના, પરંપરા અને ભક્તિનો પર્વ. આ પર્વ દરમિયાન રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ અને દીકરીઓએ પરંપરાગત તલવાર રાસની પ્રસ્તુતિ કરીને શૌર્ય અને શક્તિની આરાધનાનો અનોખો નજારો રજૂ કર્યો હતો.
રાજકોટ શહેરના પેલેસ રોડ સ્થિત ઐતિહાસિક રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રી રાસોત્સવ 2026 અંતર્ગત ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 થી વધુ ક્ષત્રિય મહિલાઓ અને દીકરીઓએ ભાગ લીધો હતો. આ આયોજનમાં પરંપરાગત તલવાર રાસની સાથે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પર સવાર થઈને પણ મહિલાઓ અને દીકરીઓએ તલવાર રાસની પ્રસ્તુતિ કરી હતી.
શસ્ત્ર સાથે કરવામાં આવતી આ પ્રસ્તુતિમાં ક્ષત્રિય પરંપરા અને ભગવતીની આરાધનાનો સમન્વય જોવા મળ્યો હતો. તલવાર રાસ ઉપરાંત દીવા રાસ અને થાળી રાસ સહિતના વિવિધ પરંપરાગત રાસ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિના પાવન પર્વે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદભૂત શૌર્ય અને ખમીર સાથે તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. ડીજે કે આધુનિક ગરબાના બદલે પ્રાચીન પરંપરાને જીવંત રાખતાં બહેનોએ ધારદાર તલવાર સાથે બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઈને સાહસિક કરતબ સાથે રાસ રમી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
રણજીત વિલાસ પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રિમાં તલવાર રાસનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજા અને ત્રીજા નોરતે એમ બે દિવસ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક સાથે 200 જેટલી ક્ષત્રિય સમાજની બહેનોએ ભાગ લીધો હતો. ખુલ્લી જીપ અને બાઈક પર ઊભા રહીને તલવાર રાસ રમતાં ઉપસ્થિત લોકોને ઘોડેશ્વાર વિરાંગનાઓની યાદ તાજી થઈ હતી. તલવાર રાસ ઉપરાંત બહેનોએ દીવડા રાસ, થાળી રાસ અને ટીપ્પણી રાસની રમઝટ પણ બોલાવી હતી.
માંધાતાસિંહજી જાડેજાના પત્ની મહારાણી કાદંબરીદેવીએ જણાવ્યું કે, બ્રહ્મચારિણી ભગવતી દેવીની આપણે આરાધના કરીએ છીએ અને એમને યાદ કરતાં આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. આ કાર્યક્રમ ખાસ ભગિની સેવા ફાઉન્ડેશનની બહેનો કરી રહી છે, જેઓ બધી ક્ષત્રિય બહેનો છે અને ક્ષત્રિય બહેનો દ્વારા આનું આયોજન કરાયું છે.
આયોજનની સાથે સાથે પૂરી મહેનત, પૂરી વ્યવસ્થા પણ ક્ષત્રિય બહેનો કરી રહી છે. તમે જોશો કે તેઓ દરેક પ્રકારના સ્ટંટ કરે છે, સ્ટંટ જોવા માટે તમને બહુ સરળ લાગશે, પરંતુ વાસ્તવમાં તેની પાછળ તેમની કઠિન મહેનત છે. એક મહિનાથી તેઓ તેનું તાલીમ લઈ રહી છે અને આજે પરફોર્મન્સ કર્યું.
સમાજને સંદેશો આપતા કહ્યું કે, અમારો મુખ્ય રાસ તો તલવાર રાસ છે. આપણી જે આ દિવ્ય કળા-સંસ્કૃતિ છે તેને માન-મર્યાદા અને સન્માન મળવું જોઈએ. તમે આ ગ્રાઉન્ડ પર જોશો કે આપણી ક્ષત્રિય સમાજની બહેનો પૂરા જોશ અને ઉત્સાહથી પોતાની સંસ્કૃતિનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય, એ રીતે પરફોર્મ કરી રહી છે.
દેવ્યાનીબા ઝાલાએ કહ્યું કે, નવરાત્રિમાં દર વર્ષની જેમ આ વખતે પણ પેલેસની અંદર આ રાસનું આયોજન છે. પાર્ટિસિપેટ કરીને મને પણ ખૂબ આનંદ થાય છે. અમે અહીંયા ઘણા બધા રાસ શીખડાવવામાં આવે છે, જેમાંથી હું દીવા રાસમાં, પ્રોપ રાસમાં પાર્ટિસિપેટ કરેલું છે અને કારમાં જે સ્ટંટ થતો હોય છે એમાં પણ મેં પાર્ટિસિપેટ કરેલું છે. પ્રેક્ટિસ માટે તો લીડર્સ જે છે બહુ જ સરસ રીતે સપોર્ટ કરે છે અને બધી રીતે વ્યવસ્થિત શીખડાવે છે એટલે થઈ જાય છે. મહિનાથી પ્રેક્ટિસ ચાલતી હતી.
દેવ્યાનીબા: સંસ્કૃતિ ભુલાઈ રહી છે અને એનું જ સૌથી મોટું એક્ઝામ્પલ અત્યારે આ ભગિની સેવા ફાઉન્ડેશન લઈને આવે છે દર વર્ષે જે પ્રાચીન સમયથી ગરબીઓ ચાલતી આવે છે એને સાથે રાખીને અને સાંસ્કૃતિક વારસો ન ભુલાય એ રીતે અમારી સંસ્કૃતિને પણ સાથે રાખીને જે દરેક વખતે રાસ-ગરબાનું આયોજન થાય છે એ બહુ જ મોટું એક્ઝામ્પલ છે કે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિને ન ભુલવી જોઈએ.
છેલ્લા 15 વર્ષથી હેરિટેજ વોક, સાફા બાંધવાની તાલીમ, પર્યાવરણ જાગૃતિ અને સૈનિકોને ઇકો-ફ્રેન્ડલી રાખડી મોકલવા જેવી પ્રવૃત્તિઓ કરતી ભગિની સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા બાઈક પર તલવાર રાસ શીખવવાની ખાસ શિબિર યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ પહેલાં પણ ક્ષત્રિય સમાજની હજારો બહેનોએ એક સાથે તલવાર રાસ રમીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ