




ભચાઉમાં ‘વીરગાથા અને સૈનિક સન્માન’ કાર્યક્રમ યોજાયો; આર્મી, BSF અને SSBના ભૂતપૂર્વ જવાનોના યોગદાનને બિરદાવવા સામાજિક-રાજકીય અગ્રણીઓ સહિત 150 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા
કચ્છ, 13 ઓક્ટોબર (હિ.સ.) : દેશની સરહદોની રક્ષા અને રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા સૈનિકોનું યોગદાન અમૂલ્ય છે. કપરા સંજોગો, વિષમ હવામાન અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે ફરજ નિભાવી દેશની રક્ષા કરનારા જવાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરવું એ સમગ્ર સમાજની જવાબદારી છે. આ જ ભાવનાને ઉજાગર કરવા ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ‘વીરગાથા અને સૈનિક સન્માન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશની વિવિધ સુરક્ષા અને સૈન્ય દળોમાં સેવા આપી નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ સૈનિકોનું સન્માન કરી તેમની દેશસેવાને બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ભારતીય આર્મી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને સશસ્ત્ર સીમા બળ (SSB)માં પોતાની ફરજ બજાવી ચૂકેલા કુલ 11 ભૂતપૂર્વ સૈનિકોને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ આ વીર સપૂતોને સાલ ઓઢાડીને અને ગુલદસ્તા અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે દેશની સુરક્ષા માટે તેમણે આપેલી સેવાઓ અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિષ્ઠાને સન્માનપૂર્વક યાદ કરવામાં આવી હતી.
સૈનિકોનું સન્માન માત્ર એક ઔપચારિક કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતાં, નવી પેઢીમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સૈનિકો પ્રત્યે આદરની ભાવના મજબૂત કરવાનો પણ એક પ્રયાસ બની રહ્યું હતું. દેશની સરહદો પર ફરજ બજાવનારા જવાનોના ત્યાગ, સમર્પણ અને શિસ્તમાંથી સમાજના દરેક વર્ગે પ્રેરણા લેવી જોઈએ, તેવો સંદેશ આ કાર્યક્રમના માધ્યમથી પ્રગટ થયો હતો.
આ પ્રસંગે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક અને રાજકીય અગ્રણીઓ, ગ્રામજનો તથા ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત આશરે 150 લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની હાજરીએ ભૂતપૂર્વ સૈનિકો પ્રત્યેનો આદર અને સન્માન વ્યક્ત કર્યો હતો.
ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલો આ કાર્યક્રમ દેશની સુરક્ષા માટે સેવા આપનારા જવાનોના યોગદાનને, યાદ કરવાનો અને સમાજમાં સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના પ્રબળ બનાવવાનો એક સન્માનનીય પ્રસંગ બની રહ્યો હતો. દેશની સેવા કરનારા વીર સપૂતોનું સન્માન કરીને તેમની સેવાઓને બિરદાવવાનો આ પ્રયાસ રાષ્ટ્રપ્રેમ અને સામાજિક એકતાનો સંદેશ આપતો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar