સંસ્કૃતિના સૂર સાથે ટેક્નોલોજીનો ટહુકો: રાજકોટના ક્લબ યુવીમાં રોબોટ 'પૃથ્વી' ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યો
રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : સૌરાષ્ટ્રમાં નવરાત્રીના પાવન પર્વ પર સંસ્કૃતિ અને ફ્યુચર (ટેક્નોલોજી)નો એક અનોખો સમન્વય જોવા મળ્યો છે. રાજકોટના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ''ક્લબ યુવી નવરાત્રી મહોત્સવ ૨૦૨૬''માં સૌરાષ્ટ્
રાજકોટના ક્લબ યુવીમાં રોબોટ 'પૃથ્વી' ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યો


રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) :

સૌરાષ્ટ્રમાં નવરાત્રીના પાવન પર્વ પર સંસ્કૃતિ અને ફ્યુચર (ટેક્નોલોજી)નો એક અનોખો સમન્વય જોવા મળ્યો છે. રાજકોટના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 'ક્લબ યુવી નવરાત્રી મહોત્સવ ૨૦૨૬'માં સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર એક રોબોટ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમતો નજરે પડ્યો હતો. સંસ્કૃતિના સૂર સાથે ટેક્નોલોજીનો તાલ મેળવતો આ રોબોટ હાલ સમગ્ર આયોજનમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

નવરાત્રીના આરાધના પર્વ દરમિયાન ત્રીજા નોરતાની રાત્રે 'પૃથ્વી' નામના માનવરૂપી (હ્યુમનોઇડ) રોબોટે ક્લબ યુવીના મંચ પર એન્ટ્રી કરી હતી. આ પૃથ્વી રોબોટ કોઈ સામાન્ય પ્રતિકૃતિ નથી પરંતુ એક માનવીની જેમ જ ચાલી શકે છે, તાળીઓ પાડી શકે છે અને ગરબાના સ્ટેપ્સ પણ લઈ શકે છે. ત્રીજા નોરતે રાત્રે ૧૦ વાગ્યે આયોજકો દ્વારા ખેલૈયાઓને આ સરપ્રાઇઝ આપવામાં આવ્યું હતું, જ્યાં શરૂઆતમાં સ્ટેજ પર ગાયક કલાકારો સાથે અને ત્યારબાદ મેદાનમાં વિશેષ સ્ટેજ પર આ રોબોટે ખેલૈયાઓની વચ્ચે રહીને અદ્ભુત ગરબા પ્રસ્તુત કર્યા હતા.

આ અનોખો નઝારો જોઈને ગરબા રમવા આવેલા સૌ કોઈ ખેલૈયાઓ અને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં રોબોટને ગરબે ઘૂમતો કેપ્ચર કરીને આ ક્ષણને યાદગાર બનાવી હતી. ક્લબ યુવીના કમિટી મેમ્બર બિપીનભાઈ બેરાના જણાવ્યા અનુસાર, ક્લબ યુવી દર વર્ષે ખેલૈયાઓ માટે કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક ટેક્નોલોજીનો સુંદર સમન્વય રજૂ કરવાના હેતુથી 'પૃથ્વી' રોબોટને ગરબાના મેદાનમાં ઉતારવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રીજા નોરતે મેળવેલી અભૂતપૂર્વ સફળતા અને લોકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને, ચોથા નોરતે (બુધવારે રાત્રે) પણ આ 'પૃથ્વી' રોબોટ ક્લબ યુવીના મેદાનમાં ખેલૈયાઓ સાથે ગરબા રમતો જોવા મળશે. આમ, રાજકોટના આંગણે ટેક્નોલોજી અને પરંપરાના મેળ મિલાપથી નવરાત્રીનો ઉત્સવ વધુ રંગીન અને ડિજિટલ યુગમાં યાદગાર બની રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande