
નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) એ બુધવારે જણાવ્યું કે, આ વર્ષે નવરાત્રિથી દિવાળી સુધી દેશભરમાં 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો તહેવારોનો કારોબાર થવાનો અંદાજ છે, જે ગયા વર્ષના રેકોર્ડ કારોબારની સરખામણીમાં લગભગ 15-18 ટકા વધુ હોઈ શકે છે. નવરાત્રિ તથા દુર્ગા પૂજા પછી, દશેરા, કરવા ચોથ, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈ બીજ, છઠ પૂજા, ગુરુ નાનક જયંતિ અને તુલસી વિવાહ જેવા તહેવારો દેશભરમાં મોટા પાયે ઉજવવામાં આવે છે.
કેટના રાષ્ટ્રીય મહામંત્રી અને ચાંદની ચોકથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, આ પ્રારંભિક અનુમાન દેશભરના વિવિધ રાજ્યોના મુખ્ય વ્યાપારિક સંગઠનો અને બજારોમાંથી મળેલા પ્રતિભાવ (ફીડબેક), ગ્રાહક માંગ, તહેવારોની ખરીદીના વલણો, ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોની સક્રિયતા, સ્થાનિક ઉત્પાદનોની વધતી માંગ તથા વિવિધ ક્ષેત્રોમાં થતી વ્યાપક આર્થિક ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
ભાજપ સાંસદે જણાવ્યું કે, ગયા વર્ષે દીપાવલીના અવસરે દેશભરમાં લગભગ 6.05 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ વેપાર થયો હતો, જેમાં લગભગ 5.40 લાખ કરોડ રૂપિયાનો વસ્તુ વેપાર તથા 65,000 કરોડ રૂપિયાનો સેવા ક્ષેત્રનો સમાવેશ થતો હતો. આ વર્ષે તહેવારોની ગતિવિધિઓ વધુ વ્યાપક બનતી હોવાથી કારોબાર ₹7 લાખ કરોડથી ઉપર જવાની સંભાવના છે.
તેમણે કહ્યું કે, કેટના આકલન મુજબ, નવરાત્રિથી દીપાવલી સુધીના અંદાજિત તહેવારોના કારોબારમાં મુખ્ય ક્ષેત્રોનો હિસ્સો લગભગ આ પ્રકારે રહી શકે છે: જેમાં કરિયાણું અને એફએમસીજી 12 ટકા, સોનું, ચાંદી અને આભૂષણ 10 ટકા, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સ 8 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ વસ્તુઓ 7 ટકા, રેડીમેડ ગાર્મેન્ટ્સ 7 ટકા, ગિફ્ટ આઇટમ્સ 7 ટકા, હોમ ડેકોર 5 ટકા, ફર્નિચર અને ફર્નિશિંગ 5 ટકા, મીઠાઈ અને નમકીન 5 ટકા, ટેક્સટાઇલ અને ફેબ્રિક્સ 4 ટકા, પૂજા સામગ્રી 3 ટકા, ફળ અને ડ્રાય ફ્રુટ્સ 3 ટકા, બેકરી અને કન્ફેક્શનરી 3 ટકા, ફૂટવેર 2 ટકા, અન્ય વસ્તુઓ અને સંબંધિત કારોબાર 19 ટકા હોઈ શકે છે.
પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, આ વર્ષે તહેવારોની અર્થવ્યવસ્થામાં સેવા ક્ષેત્રની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ રહેશે. નવરાત્રિથી દીપાવલી દરમિયાન પરિવહન, લોજિસ્ટિક્સ, ઈ-કોમર્સ ડિલિવરી, પેકેજિંગ, વેરહાઉસિંગ, હોટેલ, રેસ્ટોરન્ટ, પર્યટન, કેટરિંગ, ટેન્ટ અને ડેકોરેશન, લાઇટિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેબ અને સ્થાનિક પરિવહન સહિત અનેક સેવાઓમાં ભારે માંગ રહેવાની સંભાવના છે. ગયા વર્ષે સેવા ક્ષેત્રમાં લગભગ ₹65,000 કરોડના કારોબારની સરખામણીમાં આ વર્ષે સેવા ક્ષેત્રમાં 20-25 ટકા સુધી વૃદ્ધિનો પ્રારંભિક અંદાજ છે. આના આધારે તહેવારોની અવધિમાં સેવા ક્ષેત્રનો કારોબાર લગભગ 80,000 કરોડથી એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
તેમણે કહ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોના સીઝનમાં અનેક પર્વો દરમિયાન દેશભરમાં મોટી સંખ્યામાં ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને વ્યાવસાયિક આયોજનો પણ થશે, જેમાં માર્કેટ ઉત્સવ, રામલીલા, દુર્ગા પૂજા પંડાલ, ગરબા અને દાંડિયા, દિવાળી મિલન અને મેળા, પ્રદર્શન, સ્થાનિક બજાર કાર્યક્રમો, સોસાયટી અને સામુદાયિક સમારોહ, કોર્પોરેટ કાર્યક્રમો તથા પારિવારિક આયોજનો પણ મોટી સંખ્યામાં થશે.
પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, તહેવારોના વેપારમાં આ વૃદ્ધિ ફક્ત ગ્રાહક માંગનું પરિણામ નથી, પરંતુ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’, ‘મેડ ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને દેશના બજારો અને ગ્રાહકો દ્વારા મળી રહેલી વ્યાપક સ્વીકૃતિને પણ દર્શાવે છે. તેમણે કહ્યું કે, આજે ભારતીય ગ્રાહકો સ્થાનિક કારીગરો, એમએસએમઈ, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, હસ્તકલા, ભારતીય બ્રાન્ડ્સ અને દેશમાં નિર્મિત ઉત્પાદનોને ઝડપથી પ્રાધાન્ય આપી રહ્યા છે. આનાથી નાના વેપારીઓ અને સ્થાનિક ઉત્પાદકોને સીધો બજાર મળે છે તથા તહેવારોની માંગનો લાભ દેશના વિવિધ ભાગો સુધી પહોંચે છે.
તેમણે કહ્યું કે, નવરાત્રિથી દીપાવલી સુધી થનારો 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો સંભવિત કારોબાર ફક્ત વેપારનો આંકડો નથી. આ ભારતની વધતી ગ્રાહક શક્તિ, સ્થાનિક બજારોની મજબૂતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનના જન-આંદોલનમાં પરિવર્તિત થવાનો પુરાવો છે. તેમણે કહ્યું કે, આ તહેવારોના સીઝનમાં “સ્થાનિકથી રાષ્ટ્રીય અને રાષ્ટ્રીયથી વૈશ્વિક”ની ભાવનાને વધુ મજબૂત કરવાની જરૂર છે. ભારતીય ઉત્પાદનોની ખરીદીથી વેપારી, કારીગર, એમએસએમઈ, મહિલા ઉદ્યોગસાહસિક, સ્ટાર્ટઅપ અને સ્થાનિક સેવા પ્રદાતા બધા લાભાર્થી બનશે.
ભાજપ સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, “આ દીપાવલીનો સંદેશ સ્પષ્ટ છે, લોકલ ખરીદો, ભારતીય ખરીદો, સ્થાનિક વેપારને મજબૂત કરો અને વિકસિત ભારતના નિર્માણમાં તમારી ભાગીદારી સુનિશ્ચિત કરો.” ખંડેલવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, નવરાત્રિથી દીપાવલી 2026નો તહેવારોનો સીઝન દેશના વેપાર, સેવા ક્ષેત્ર અને સ્થાનિક અર્થવ્યવસ્થા માટે એક નવો સીમાચિહ્ન (માઇલસ્ટોન) સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ