
રાજકોટ, 14 ઓક્ટોબર (હિ.સ.) : કોમળ હાથોથી પકવાન બનાવતી નારી માં ભોમની રક્ષા માટે રણચંડી બની શકે છે તેવા ભારતીય સંસ્કૃતિના ખમીરને રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ પુનઃજીવિત કર્યું છે. પેલેસ રોડ પર આવેલા રાજવી માંધાતાસિંહના રણજિત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની ૨૦૦ જેટલી મહિલાઓએ ધારદાર તલવારો સાથે અદભૂત શૌર્યપૂર્ણા નવરાસ અને ગરબા રજૂ કરી સમગ્ર વિશ્વને અચંબિત કરી દીધું હતું.
ગુજરાતમાં ગરબા માત્ર ત્રણ તાળી સુધી સીમિત નથી, પરંતુ દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ જોવા મળે છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે વર્ષ ૨૦૦૬થી દર વર્ષે નવરાત્રિમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા તલવાર રાસનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બીજા અને ત્રીજા નોરતે એમ બે દિવસીય આયોજનમાં બહેનોનું કલ્પના બહારનું સાહસ અને શૌર્યપૂર્ણ કૌશલ્ય દેખાયું હતું.
આ ઉજવણીમાં ક્ષત્રિય મહિલાઓએ માત્ર જમીન પર જ નહીં, પરંતુ ચાલતી બાઇક અને ખુલ્લી જીપ પર સવાર થઈને હાથમાં ધારદાર તલવાર પકડી સાહસિક રાસ રજૂ કર્યો હતો. બાઇક અને જીપ પર ઉભા રહીને રમાયેલા આ અદભૂત તલવાર રાસને જોઈને ઉપસ્થિત સૌ કોઈને પ્રાચીનકાળની ઘોડેશ્વાર વિરાંગનાઓની પ્રત્યક્ષ ઝાંખી થઈ હોય તેવો અહેસાસ થયો હતો. આ સિવાય બહેનોએ દીવડા રાસ, થાળી રાસ અને ટીપ્પણી રાસ પણ રજૂ કર્યા હતા.
આ શૌર્યપૂર્ણા પ્રદર્શન પાછળ સંસ્થાઓનો વિશેષ તાલીમ ફાળો રહ્યો છે. છેલ્લા ૧૫ વર્ષથી સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક, પર્યાવરણ જાગૃતિ અને દેશના જવાનો માટે ઇકો-ફ્રેન્ડલી રાખડી મોકલવા જેવા સામાજિક કાર્યો કરતી ‘ભગિની સેવા ફાઉન્ડેશન’ દ્વારા બાઇક પર તલવાર રાસ રમવા માટે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના લીધે બહેનો આટલું કઠિન કરતબ સરળતાથી રજૂ કરી શકી હતી.
ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજની નારીઓનો આ શૌર્ય રાસ દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. આજથી ચાર વર્ષ પહેલાં ક્ષત્રિય સમાજની હજારો બહેનોએ એક સાથે તલવાર રાસ રમીને વિશ્વ વિક્રમ (વર્લ્ડ રેકોર્ડ) પણ સ્થાપ્યો હતો. રાજકોટના પેલેસમાં યોજાયેલો આ તલવાર રાસ નવરાત્રિની પરંપરાગત ઉજવણી સાથે દેશની નારીશક્તિ, શીલ અને ખમીરનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt