
ઇસ્તંબુલ, નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.). સ્ટાર ખેલાડી લામિન યામલના શાનદાર પ્રદર્શનને કારણે બાર્સેલોનાએ, મંગળવારે યુઇએફએ ચેમ્પિયન્સ લીગ 2026-27માં ગાલાતાસરાયને 4-1થી હરાવીને સતત બીજી જીત નોંધાવી.
મંગળવારે ઇસ્તંબુલના રામ્સ પાર્કમાં રમાયેલી મેચમાં, બાર્સેલોનાએ એક ગોલથી પાછળ રહ્યા પછી જોરદાર વાપસી કરી. યામલે બે ગોલમાં મદદ કરી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
આ જીત સાથે બાર્સેલોના, પોઈન્ટ ટેબલમાં આર્સેનલ અને સ્પોર્ટિંગ લિસ્બન સાથે ટોચના સ્થાને પહોંચી ગયું.
ત્રણેય ટીમોએ અત્યાર સુધી પોતાની બંને મેચ જીતી છે. જ્યારે, તુર્કીનો દિગ્ગજ ક્લબ ગાલાતાસરાય એક પણ પોઈન્ટ વિના ટેબલમાં નીચલા સ્થાનો પર યથાવત છે.
મેચના શરૂઆતના તબક્કામાં બાર્સેલોનાએ બોલ પર નિયંત્રણ રાખીને ઘણા હુમલા કર્યા, પરંતુ પહેલો ગોલ ગાલાતાસરાયે કર્યો. રશિયાના એલેક્સી બાતરાકોવના પ્રયાસથી જોઆઓ કેન્સેલોને બોલ વાગીને દિશા બદલાઈ ગઈ અને ગોલમાં જતો રહ્યો. આ રીતે યજમાન ટીમે લીડ મેળવી લીધી.
પહેલા હાફના સમાપ્ત થવાના બરાબર પહેલા કેન્સેલોએ ડેની ઓલ્મોના પાસને ગોલમાં ફેરવીને બાર્સેલોનાને બરાબરી અપાવી. બંને ટીમો મધ્યંતર સુધી 1-1ની બરાબરી પર હતી.
બીજા હાફમાં યામાલે, બાર્સેલોનાના આક્રમણને નવી ધાર આપી. તેણે ફર્મિન લોપેઝને શાનદાર પાસ આપીને ગોલ કરવામાં મદદ કરી અને બાર્સેલોનાને 2-1ની લીડ અપાવી.
તેના ત્રણ મિનિટ પછી યામલે, ખૂબ ઓછી જગ્યામાં એરેન એલમાલીને ત્રણ અલગ-અલગ રીતે ચકમો આપ્યો અને ગોર્ડનને પાસ આપ્યો, જેમણે બોલને ગોલમાં પહોંચાડીને ટીમની લીડ 3-1 કરી દીધી.
આ પછી સ્પેનના યુવા ખેલાડી યામલે, કરીમ અદેયેમીના ગોલમાં પણ મદદ કરી. આ ચોથા ગોલ સાથે બાર્સેલોનાએ મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી અને અંતે 4-1થી જીત મેળવી.
સતત બીજી જીત સાથે બાર્સેલોનાએ, ચેમ્પિયન્સ લીગમાં પોતાની મજબૂત શરૂઆત જાળવી રાખી છે. ટીમ આર્સેનલ અને સ્પોર્ટિંગ લિસ્બન સાથે સંયુક્ત રીતે ટોચ પર છે. બીજી તરફ, ગાલાતાસરાયને શરૂઆતની બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને ટીમ હવે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ