
સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.) : સુરતમાં એમ્બ્રોડરી ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો દ્વારા રવિવારની સાપ્તાહિક રજા અને પગારવધારા સહિતની માગણીઓને લઈને 15 ઓક્ટોબરે મહાઆંદોલન અને સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પાંડેસરા પોલીસે મજૂર સંગઠનોના અગ્રણી નેતાઓ સહિત છથી વધુ કામદાર આગેવાનોની અટકાયત કરી હતી.
કલેક્ટર કચેરીની બહાર વિરોધ નોંધાવવા પહોંચેલા શ્રમિકોને પોલીસે મંજૂરી ન હોવાનું જણાવી અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કેટલાક કામદારો સ્થળ પરથી નીકળી ગયા હતા, જ્યારે કેટલાકને પોલીસે પીછો કરીને પકડી લીધા હતા. પોલીસની 10થી વધુ વાન અને બસમાં શ્રમિકોને લઈ જવામાં આવ્યા હતા. ડીસીપીના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી દરમિયાન કુલ 70 શ્રમિકોને ડિટેઈન કરવામાં આવ્યા હતા.
અટકાયત કરાયેલા કામદાર આગેવાનોમાં રાષ્ટ્રીય મજદૂર સેનાના પ્રમુખ સુરેશ સોનવણે, સુરત સંઘર્ષ લેબર યુનિયનના પ્રમુખ રમાકાંત પાંડે, સાર્વજનિક મજદૂર એકતા યુનિયનના પ્રમુખ મલખાનસિંહ વર્મા, CJPના સભ્ય સંદીપ પટેલ અને કામદાર વિનય પાઠકનો સમાવેશ થાય છે. શ્રમિકો એમ્બ્રોડરી એકમોમાં સાપ્તાહિક રજા અને વેતન વધારા જેવી માગણીઓના સમર્થનમાં એકત્રિત થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે