
ભાવનગર,15 ઓક્ટોબર (હિ.સ.)ઘાંઘળી: જીસીઈઆરટી (GCERT), ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (DIET), ભાવનગરની પ્રેરણા તથા ઘાંઘળી સી.આર.સી.ના સંયોજન હેઠળ વર્ષ ૨૦૨૬ના ઘાંઘળી ક્લસ્ટર કક્ષાના ‘બાળ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ મેળા’નું પી.એમ. શ્રી ઘાંઘળી કે. વ. શાળા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળો શાળાના આચાર્ય નરેશભાઈ મકવાણાની રાહબરી હેઠળ અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર નરવીરસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ એસએમસીના અધ્યક્ષ, સભ્યો, અગ્રણીઓ ભોળાભાઈ ચુડાસમા, ડાયાભાઈ ડાભી તથા પેટાશાળાના આચાર્યશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.
મેળામાં ઘાંઘળી ક્લસ્ટરની વિવિધ પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમનું પ્રદર્શન કરતાં વિવિધ વર્કિંગ મોડેલ્સ, અવનવી કૃતિઓ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત પ્રયોગો રજૂ કર્યા હતા. ગણિતને સરળ બનાવતા પ્રયોગો, પર્યાવરણ જાગૃતિના નમૂનાઓ, માહિતીપ્રદ ચાર્ટ્સ અને ક્વિઝ જેવા આકર્ષણોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને વાલીઓએ વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણ, એસએમસીના સભ્યો અને સી.આર.સી. ટીમે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA