
ભાવનગર, 15 ઓક્ટોબર (હિ.સ.)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) રંઘોળા ખાતે જન આરોગ્ય સમિતિ (JAS)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય સેવાઓની સમીક્ષા સાથે સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને ઓછા વજનવાળી સગર્ભા માતાઓ અને અતિ જોખમી સગર્ભા મહિલાઓને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે વિશેષ કાર્યયોજના તૈયાર કરવામાં આવી હતી.
અગ્રણી અશોકભાઈ આહીરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્યલક્ષી આયામો, વિવિધ કામગીરી અને નિર્ધારિત લક્ષ્યાંકોની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સગર્ભા મહિલાઓની નિયમિત આરોગ્ય તપાસ, પોષણની સ્થિતિમાં સુધારો અને માતા તથા બાળકના સ્વાસ્થ્યની યોગ્ય સંભાળ અંગે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન ખાસ કરીને ઓછા વજનવાળી તથા અતિ જોખમી સગર્ભા મહિલાઓને પ્રાથમિકતા આપીને તેમની આરોગ્યલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અંતર્ગત કુલ 22 સગર્ભા મહિલાઓને પોષણયુક્ત કીટ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પોષણયુક્ત આહાર દ્વારા સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને તેમને જરૂરી પોષક તત્ત્વો મળી રહે તે દિશામાં આ આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓની સમયસર તપાસ, યોગ્ય માર્ગદર્શન અને નિયમિત દેખરેખ રાખીને માતા તથા બાળકના સ્વાસ્થ્યનું જતન થાય તે માટે સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આ બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કામળિયા, મેડિકલ ઓફિસર ડૉ. મયુર વાળા, તાલુકા પંચાયત સભ્ય દર્શનાબેન પરેશભાઈ કોતર, ગ્રામ આગેવાન ભૂપતભાઈ સાંગા, આચાર્ય હિરેનભાઈ આહીર સહિત આરોગ્ય કર્મચારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA