
પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં આવેલી આઈ. ડી. સેલિયા હાઈસ્કૂલ અને એમ. કે. સૈયદ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડૉ. કલામના પ્રેરણાદાયી જીવન, તેમની સિદ્ધિઓ અને દેશ પ્રત્યેના યોગદાનથી માહિતગાર કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને 'મિસાઈલ મેન' તરીકે જાણીતા ડૉ. અબ્દુલ કલામના જીવન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમના શરૂઆતના સંઘર્ષ, શિક્ષણ પ્રત્યેની લગન, વૈજ્ઞાનિક સંશોધનો અને ભારતની સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવવામાં આપેલા યોગદાન અંગે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દેશના રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ અને યુવાનોને આગળ વધવા માટે આપેલા પ્રેરણાદાયી સંદેશ વિશે પણ વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.
શાળાના આચાર્ય જફરુલ્લાહ વિહારીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને ડૉ. કલામના જીવનમાંથી પ્રેરણા મેળવી હતી. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ, વિજ્ઞાન, રાષ્ટ્રપ્રેમ અને જીવનમાં ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ