
મુંબઈ, નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.) અભિનેતા સલમાન ખાન અને કરિશ્મા કપૂરે 'કોફી વિથ કરણ'ની નવમી સીઝનના પહેલા એપિસોડમાં ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા ઘણા જૂના કિસ્સા શેર કર્યા. આ દરમિયાન બંનેએ વર્ષ 2000માં આવેલી ફિલ્મ 'દુલ્હન હમ લે જાયેંગે'ના શૂટિંગ સાથે સંકળાયેલી એક ઘટના પણ યાદ કરી. કરિશ્માએ જણાવ્યું કે, ફિલ્મના સેટ પર તેમના પહેરવેશને લઈને સલમાન તેમનાથી નારાજ થઈ ગયા હતા અને તેમણે કપડાં બદલવા માટે પણ કહ્યું હતું.
કરિશ્માના મતે, તે ફિલ્મમાં પોતાના લુક અને ફેશનને લઈને ખૂબ ઉત્સાહિત હતી, પરંતુ સલમાનને તેનો એક ખાસ પહેરવેશ પસંદ ન આવ્યો. અભિનેત્રીએ જણાવ્યું કે, બંને વચ્ચે આ વાતને લઈને અવારનવાર બોલાચાલી થતી હતી. જ્યારે કરણ જોહરે પૂછ્યું કે, શું સલમાનને તેના કપડાંના વધુ ફિટ હોવાથી કોઈ સમસ્યા હતી, તો કરિશ્માએ કહ્યું કે, પોશાક ખૂબ ખુલ્લો અને શરીરને ચોંટેલો હતો. આના પર સલમાને જણાવ્યું કે, ડાન્સ દરમિયાન તેની નાની સ્કર્ટ ઉપર સરકી જતી હતી અને કપડું પણ ખૂબ પાતળું અને પારદર્શક હતું, જેના કારણે તે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા.
વાતચીત દરમિયાન કરિશ્માએ સલમાન સાથેની પોતાની પહેલી મુલાકાતનો કિસ્સો પણ સંભળાવ્યો. તેણે જણાવ્યું કે, તે અભિનેતાની મોટી પ્રશંસક હતી. સલમાને તે સમયે તેના કામની પ્રશંસા કરીને તેનો ઉત્સાહ વધાર્યો હતો અને તેને ચોકલેટ પણ આપી હતી. અહીંથી જ બંનેની મિત્રતાની શરૂઆત થઈ. બાદમાં બંનેએ 'અંદાઝ અપના અપના' અને 'બીવી નંબર 1' સહિતની, ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ