
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) બાંગ્લાદેશમાં નેત્રકોના દુર્ગાપુર તાલુકામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા, પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે રાત્રે 8.15 વાગ્યાની આસપાસ કોલ્મકાંડા નગરપાલિકામાં શ્યામગંજ-બિરિશિરી માર્ગ પર ઉટરેલ બજારમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે.
ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો હતો કે, પોલીસે જણાવ્યું હતું કે, તેઓ આઇપીટીવી મીડિયાની ન્યૂઝ ચેનલ રૂપોશી બંગાળના નેત્રકોના સંવાદદાતા લુત્ફોઝમાન અલીફ ફકીરની હત્યાની તપાસ કરી રહ્યા છે. તેમનું ફેસબુક પેજ 'ડિટેક્ટીવ આર્ટિકલ' લોકપ્રિય હતું. તે આ પૃષ્ઠ પર અનિયમિતતા અને ગુના વિશે લખતો હતો.
પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસના જણાવ્યા અનુસાર, અલીફ એક દુકાન પર બેઠો હતો ત્યારે મોટરસાયકલ પર બે લોકો ત્યાં આવ્યા હતા અને તેના પર અનેક ગોળીઓ ચલાવી હતી. ત્યારબાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. સ્થાનિક લોકો તેને તાત્કાલિક તાલુકા આરોગ્ય સંકુલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
દુર્ગાપુર પોલીસ સ્ટેશનના પ્રભારી ખાંડેકર અહેમદ ખાને જણાવ્યું હતું કે, અલીફના માથા, ગરદન અને છાતી પર પાંચ ગોળીઓના ઘા મળી આવ્યા હતા.નેત્રકોના પોલીસ અધિક્ષક મો. તારિકુલ ઇસ્લામે કહ્યું કે આ એક આયોજિત હત્યા હતી. તેમણે કહ્યું કે પોલીસ સામેલ લોકોની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરી રહી છે.
અલીફનું પૂર્વજોનું ઘર કોલ્મકાંડા ઉપજિલ્લાના પોગલા સંઘના સુનઈ ગામમાં છે. ગયા વર્ષે 10 નવેમ્બરે તે જ તાલુકામાં સોમેશ્વરી નદીના તેરીબઝાર ફેરી ઘાટ નજીક પણ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ