
નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.). પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) એ, સૂચિબદ્ધ કંપનીઓના શેરોમાં કથિત હેરાફેરીના મામલામાં શુક્રવારે 6 શહેરોમાં 29 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. તપાસમાં સામે આવ્યું કે, બે કંપનીઓના શેર ખરીદવા માટે વોટ્સએપ જૂથો દ્વારા રોકાણકારોને સતત ખરીદીના સંદેશા મોકલવામાં આવ્યા. આ પછી બંને કંપનીઓના શેરની કિંમતોમાં ભારે ઘટાડો થયો, જેનાથી 1 લાખથી વધુ નાના રોકાણકારોને નુકસાન થયું. ઈડી એ દરોડા દરમિયાન લેણદેણના રેકોર્ડ, ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો અને સંપત્તિ સંબંધિત કાગળો જપ્ત કર્યા છે.
ઈડી ની મુંબઈ પ્રાદેશિક કાર્યાલય-I એ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ), 2002 હેઠળ મુંબઈ, નાસિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગરમાં કાર્યવાહી કરી. આ દરોડા આરએમ ડ્રિપ એન્ડ સ્પ્રિંકલર્સ સિસ્ટમ્સ લિમિટેડ અને આરએન્ડબી ડેનિમ્સ લિમિટેડના શેરોમાં કથિત હેરાફેરીની તપાસના સંબંધમાં પાડવામાં આવ્યા હતા. તલાશીના દાયરામાં બંને કંપનીઓની ઓફિસો, તેમના પ્રમોટરોના આવાસ, ઓછી કિંમતે શેર મેળવનારા લોકોના ઠેકાણા, શેર દલાલી અને નાણાકીય કંપનીઓની ઓફિસો તથા કથિત રીતે પ્રચાર માટે વોટ્સએપ જૂથ ચલાવનારા લોકોના પરિસરનો સમાવેશ થતો હતો.
ઈડી ની તપાસ મુજબ, એપ્રિલ 2023 થી માર્ચ 2024 ની વચ્ચે બંને કંપનીઓએ પસંદગીના વ્યક્તિઓ અને સંસ્થાઓને 3.5 કરોડથી વધુ શેર અને કન્વર્ટિબલ વોરંટ જારી કર્યા. આ શેરો માટે ચૂકવવામાં આવેલી રકમનો મોટો ભાગ એકબીજા સાથે જોડાયેલા કેટલાક વ્યક્તિઓ, કંપનીઓ અને લેણદારોના જૂથમાંથી આવ્યો હતો. આ પછીના મહિનાઓમાં બંને કંપનીઓના શેરની કિંમતો સતત વધારવામાં આવી, જ્યારે મોટાભાગના શેર કેટલાક પસંદગીના લોકો પાસે જ રહ્યા.
તપાસમાં સામે આવ્યું કે, ડિસેમ્બર 2025 ના અંતથી ફેબ્રુઆરી 2026 ની વચ્ચે ‘મલ્ટિબેગર સ્ટોક્સ’ જેવા નામોવાળા વોટ્સએપ જૂથોમાં રોજ આ શેરો ખરીદવાની સલાહ આપવામાં આવતી હતી. ઈડી મુજબ, આ જૂથોને ચલાવવા માટે હરિયાણા અને મુંબઈમાં અન્ય લોકોના નામે લેવાયેલા સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો, જ્યારે જૂથોનું સંચાલન ગુજરાતના ભાવનગરથી કરવામાં આવી રહ્યું હતું.
આ સંદેશાઓ પછી બંને કંપનીઓના શેરોમાં ખરીદદારોની સંખ્યા લગભગ 3,400 થી વધીને 1 લાખથી વધુ થઈ ગઈ. 25 ફેબ્રુઆરીના રોજ વોટ્સએપ જૂથો અચાનક હટાવી દેવામાં આવ્યા. આ પછી બંને કંપનીઓના શેર લોઅર સર્કિટ પર પહોંચી ગયા અને થોડા જ દિવસોમાં તેમની કિંમતોમાં લગભગ 70 ટકાનો ઘટાડો થયો. આનાથી 1 લાખથી વધુ નાના રોકાણકારોને ભારે નુકસાન થયું અને તેઓ એવા શેરો સાથે ફસાઈ ગયા, જેને વેચવા મુશ્કેલ બની ગયા હતા.
ઈડી એ તલાશી દરમિયાન અનિયમિતતાઓ સંબંધિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો, શેર લેણદેણના રેકોર્ડ અને સંપત્તિ સંબંધિત કાગળો જપ્ત કર્યા છે. મામલામાં આગળની તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ