
ભાવનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વીરપુર ગામે ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે. ગામ નજીક આવેલા વીરપુર-ટીબેટી તળાવમાં પાણી ભરાતાં દર વર્ષે સાત મહિનાથી વધુ સમય સુધી ખેડૂતો હોડી મારફતે તળાવ પાર કરે છે. 40થી વધુ ખેડૂતોની જમીન સામા કાંઠે આવેલી છે. આ ઉપરાંત ત્યાં આશરે 10 પરિવારો પણ વસવાટ કરે છે. જેથી ખેડૂતો સહિત સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, ગામમાંથી રસ્તા મારફતે ખેતરે જવું હોય તો આશરે 25 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. ખેડૂત વાળા રણજીતભાઈએ જણાવ્યું કે હોડીને નાડા બાંધીને ખેંચવી પડે છે અને જાતે ચલાવીને સામા કાંઠે પહોંચવું પડે છે. તેમની આશરે 150 વીઘા જમીન સામા કાંઠે આવેલી છે. વિદ્યાર્થીઓને અવરજવર, મેડિકલ ઇમરજન્સી અને અકસ્માતની શક્યતાઓને કારણે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ખેડૂત દિલુભાઈએ જણાવ્યું કે ચોમાસામાં પૂર આવે ત્યારે ખેતર સુધી જવાનો માર્ગ બંધ થઈ જાય છે. તેમની 35 વીઘા જમીન સામા કાંઠે આવેલી છે. પાક તૈયાર થયા બાદ તેનું વેચાણ કરવા માટે પણ હોડીનો ઉપયોગ કરવો પડે છે. મોટા વાહનો ખેતર સુધી લઈ જવા માટે અન્ય ગામોમાંથી લાંબો રસ્તો પસાર કરવો પડે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વીરપુર-ટીબેટી તળાવ પર વહેલી તકે પુલનું નિર્માણ કરવામાં આવે, જેથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક પરિવારોને કાયમી રાહત મળી શકે તેવી માંગ ઊઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA