

ગાંધીનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગર કલ્ચરલ ફોરમના પરંપરાગત નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે ભક્તિ, સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને ઉત્સાહનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શનાદેવી કલ્ચરલ ફોરમના ગરબાની ભાતીગળ રંગત માણવા પધાર્યા હતા. રાજ્યપાલની ગરિમામય ઉપસ્થિતિ અને લેડી ગવર્નરની ખેલૈયાઓ સાથેની સહભાગિતાએ ઉત્સવના આનંદમાં વિશેષ ઉમેરો કર્યો હતો. કાઠિયાવાડી કોટીમાં સજ્જ રાજ્યપાલએ માતાજીની ભક્તિમાં તરબોળ થઈને મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયાઓનું નર્તન નિહાળ્યું હતું અને ગરબાના સમગ્ર આયોજન પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. જ્યારે લેડી ગવર્નર દર્શનાદેવીએ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને પરંપરાગત ગુજરાતી લોકસંસ્કૃતિના રંગમાં રંગાઈ ઉત્સવનો આનંદ માણ્યો હતો.
પોતાનું સમગ્ર જીવન શિક્ષણ, સંસ્કાર, સમાજસુધારણા અને રાષ્ટ્રનિર્માણનાં કાર્યોમાં સમર્પિત કરનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક કૃષિના પ્રસાર અને પ્રચાર માટે પણ સતત કાર્યરત છે. પ્રાકૃતિક કૃષિના અભિયાનને તેમણે જીવનના મહત્ત્વપૂર્ણ ધ્યેય તરીકે અપનાવ્યું છે. રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરની ઉપસ્થિતિએ આ સાંસ્કૃતિક મહોત્સવની ગરિમામાં વધારો કર્યો હતો.
ચોથા નોરતે ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય રીટાબેન પટેલે માતાજીની આરતી ઉતારી કલ્ચરલના ગરબાનો મંગલમય શુભારંભ કરાવ્યો હતો. તેમણે ઉપસ્થિત ખેલૈયાઓ અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના અગ્રણીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પણ કલ્ચરલના ગરબા માણવા અને આશીર્વાદ આપવા પધાર્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિએ નવરાત્રીના આ પાવન ઉત્સવને વિશેષ ગૌરવ પ્રદાન કર્યું હતું.
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીના મુખ્ય પ્રાયોજક એ. બી. જ્વેલ્સ, અમદાવાદના મનોજભાઈ સોની અને જયશ્રીબેન સોની પણ ગરબા માણવા પધાર્યા હતા. તેમણે સમગ્ર આયોજનની સુંદરતા, પરંપરાગત ગરબાની આગવી ઓળખ અને માતાજીની આરાધનામાં મંત્રમુગ્ધ થઈને ગરબે ઘૂમતા ખેલૈયાઓના ઉત્સાહને નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કલ્ચરલ ફોરમ દ્વારા પરંપરા અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતું આયોજન ગરબાપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યું છે.
ગુજરાતનાં અત્યંત લોકપ્રિય ગાયિકા નયના શર્માના પાવરપેક્ડ પર્ફોર્મન્સે ચોથા નોરતાની રાત્રિને સંગીતમય અને ઊર્જાસભર બનાવી દીધી હતી. પોતાની અદભુત ગાયકી, જબરદસ્ત સ્ટેજ પ્રેઝન્સ અને અસાધારણ ઊર્જા માટે જાણીતા નયના શર્માએ કલ્ચરલના ગરબામાં એવી રંગત જમાવી હતી કે ખેલૈયાઓ સંગીતના તાલે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. તેમના પ્રસ્તુતિકરણથી ગરબા પ્રાંગણમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓના તાલબદ્ધ નર્તન અને સંગીતના સૂરોએ સમગ્ર વાતાવરણને ઉત્સવના રંગે રંગી દીધું હતું.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાની એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ પરંપરા મધરાતે ગરબાના સમાપન સમયે જોવા મળે છે. માતાજીની આરાધનાના ગરબા પૂર્ણ થયા બાદ તમામ ખેલૈયાઓ, સાવધાનની મુદ્રામાં ઊભા રહીને સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરે છે. ચોથા નોરતે પણ આ પરંપરાએ ઉપસ્થિત સૌને રોમાંચિત કર્યા હતા.
માતાજીની આરાધના સાથે રાષ્ટ્રની આરાધનાનો આ અનોખો સમન્વય ભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને એકસાથે ઉજાગર કરે છે. ગરબાના ઉત્સવપૂર્ણ વાતાવરણ બાદ સમગ્ર મેદાનમાં શિસ્તબદ્ધ રીતે ગુંજતું રાષ્ટ્રગીત સૌના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવતું હોય છે. આ પરંપરા કલ્ચરલ ફોરમના ગરબાને અન્ય આયોજનો કરતાં આગવી ઓળખ પ્રદાન કરે છે.
નવરાત્રીના ચોથા નોરતે ખેલૈયાઓએ પોતાની પ્રતિભા, નૃત્યકૌશલ્ય અને આકર્ષક પોશાકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે નિષ્ઠા જોશી અને બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ તરીકે રાહુલ ભાલીયા વિજેતા બન્યાં હતાં. બેસ્ટ પેર કેટેગરીમાં કરણ પુરબિયા અને સૂરજ ડાભીની જોડીએ વિજય મેળવ્યો હતો. જ્યારે બેસ્ટ ક્વીન તરીકે હેતલ ભટ્ટી અને બેસ્ટ કિંગ તરીકે અર્પણ પટેલ વિજેતા જાહેર થયાં હતાં. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે સ્તુતિ જોશી અને બેસ્ટ ડ્રેસ પ્રિન્સ તરીકે નરેન્દ્રસિંહ બિહોલા વિજેતા બન્યાં હતાં.
ટીનેજર કેટેગરીમાં ગ્રેસી ડોડીયા બેસ્ટ ટીનેજર ગર્લ અને ક્રિશ સાવલિયા બેસ્ટ ટીનેજર બોય તરીકે વિજેતા થયાં હતાં. બેસ્ટ કીડ કેટેગરીમાં શ્રેયા ગોહિલ બેસ્ટ કીડ ગર્લ અને ખુશીન ઠક્કર બેસ્ટ કીડ બોય તરીકે વિજેતા બન્યાં હતાં. જ્યારે બેસ્ટ ચાઇલ્ડ કેટેગરીમાં નાયરા દવે બેસ્ટ ચાઇલ્ડ ગર્લ અને હયાન સોલંકી બેસ્ટ ચાઇલ્ડ બોય તરીકે વિજેતા જાહેર થયાં હતાં. તમામ વિજેતા ખેલૈયાઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
માતાજીની આરાધનાથી શરૂ થઈને રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે પૂર્ણ થતી કલ્ચરલના ગરબાની પરંપરા ભક્તિ, સંસ્કાર, સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપે છે. ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતી લોકસંસ્કૃતિના સંવર્ધન માટે કાર્યરત ગાંધીનગર કલ્ચરલ ફોરમનો આ નવરાત્રી મહોત્સવ પરંપરાને જીવંત રાખવાની સાથે નવી પેઢીમાં સાંસ્કૃતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ