
ગીર સોમનાથ, 16 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાની ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ટ્રેનિંગ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય આપદા જોખમ નિવારણ દિવસ ઉજવાયો. વેરાવળ પોલીસ સ્ટેશનના સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના નેતૃત્વ હેઠળ ટ્રાફિક શાખાના સ્ટાફ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો હાજર રહ્યા.
આ કાર્યક્રમમાં અકસ્માતમાં ઘાયલ લોકોને પ્રાથમિક સારવાર, કુદરતી આપત્તિ, આગ અને અન્ય કટોકટીમાં સાવચેતી, તેમજ CPR આપવા અંગે પ્રાયોગિક નિદર્શન સાથે તાલીમ અપાઈ.
રેડ ક્રોસ સોસાયટીના કિરીટ ઉનડકટ અને અનિશભાઈ રાચ્છે CPR તાલીમ આપી. પ્રાથમિક સારવાર ટ્રેનર કિરણબેન ભટ્ટ, આર.એસ. ફાયરના કુમેન્દ્ર ચોહાણ અને તેમની ટીમે ફાયર સેફ્ટીની સમજણ આપી.
આ પ્રસંગે કમલેશ ફોફંડી, ગિરીશ ઠક્કર, ડો. ખેવનાબેન કારાવડીયા સહિત રેડ ક્રોસના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા. તાલીમ પૂર્ણ કરનાર જવાનોને પ્રમાણપત્રો અપાયા. આ કાર્યક્રમ સૌના સહયોગથી સફળ રહ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ