
ગીર સોમનાથ, 16 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકો અને અને તેમના પરિવારજનોને ન્યૂનતમ દરે પૌષ્ટિકભોજન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ નવાં શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં પણ આ અંતર્ગત બે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વેરાવળના ૬૦ ફૂટ રોડ પર અને પ્રભાસપાટણ ખાતેના ગુડલક ચોક એમ બે કડિયાનાકા પર શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમને સમાનાંતર રાજ્યસભા સાંસદ માનસિંહભાઈ પરમારે વેરાવળના ૬૦ ફૂટ રોડ, ભવાની કડિયાનાકા પાસે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનું જ્યારે લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રભાસપાટણના ગુડલક ચોક, શ્રમિક વસાહત ખાતે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.
બન્ને શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ખાતેથી મહાનુભાવોએ સ્વહસ્તે શ્રમિકોને ભોજન પીરસી અને સ્નેહભર્યો સંવાદ કર્યો હતો. આ સાથે જ ધન્વંતરી રથની મુલાકાત લઈ શ્રમિકોને આપવામાં આવતી આરોગ્યસેવાઓની જાણકારી મેળવી હતી.
સાંસદ રાજેશ ચુડાસમાએ શ્રમિકોને સ્વહસ્તે નિર્માણકાર્ડ આપ્યા હતાં અને સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકે ઈ-નિર્માણ કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યૂ.આર.કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રુ. 5 ના ટોકન દરે ટિફિન અથવા જમવા માટે ભોજન આપવામાં આવે છે.
આ ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. અઠવાડિયામાં એકવાર સુખડી અને શીરા જેવાં મિષ્ટાન્ન પણ પીરસવામાં આવશે.
આ યોજનાથી શ્રમિકોને પોષણયુક્ત ભોજન સરળતાથી ઉપલબ્ધ થવાની સાથે તેમના દૈનિક ભોજન ખર્ચમાં પણ રાહત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ