
નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્ર સરકારે 16 ઓક્ટોબર (શુક્રવાર) થી શરૂ થનારા પખવાડિયા માટે નિકાસ થતા પેટ્રોલ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો છે. જ્યારે, ડીઝલની નિકાસ પર લાગતા કરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટીએફની નિકાસ પર લાગતો શુલ્ક 10.5 રૂપિયા પ્રતિ લિટર પર યથાવત રાખવામાં આવ્યો છે.
નાણા મંત્રાલયની અધિસૂચનામાં જણાવાયું છે કે, આ પખવાડિયા માટે ડીઝલની નિકાસ પર અણધાર્યા નફા પરનો કર ઘટાડવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલની નિકાસ પર શુલ્ક વધારવામાં આવ્યો છે. જ્યારે, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસ પરના શુલ્કને 10.5 રૂપિયા પ્રતિ લિટર પર યથાવત રાખવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું કે, શુલ્કમાં આ ફેરફારો 16 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
અધિસૂચના મુજબ, ડીઝલની નિકાસ પર વિશેષ વધારાનો ઉત્પાદન શુલ્ક (એસએઈડી) અને માર્ગ તેમજ માળખાકીય સુવિધા ઉપકર કુલ મળીને હવે આ શુલ્ક 8.5 રૂપિયા પ્રતિ લિટર લાગશે. અગાઉ આ શુલ્ક 16 રૂપિયા પ્રતિ લિટર હતો. આ જ રીતે, આગામી પખવાડિયા માટે પેટ્રોલની નિકાસ પરનો શુલ્ક 0.5 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 2.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.
નાણા મંત્રાલયે અધિસૂચનામાં જણાવ્યું કે, શુલ્કમાં ફેરફારો 16 ઓક્ટોબરથી લાગુ થશે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે 27 માર્ચે ડીઝલ અને વિમાન ઇંધણની નિકાસ પર શુલ્ક લગાવ્યો હતો. ત્યારથી દર પખવાડિયે તેના દરોમાં સુધારો કરવામાં આવતો રહ્યો છે. જ્યારે, 16 મેથી પેટ્રોલની નિકાસ પર આ શુલ્ક લગાવવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું કે, ઘરેલું વપરાશ માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા પેટ્રોલ અને ડીઝલ પરના વર્તમાન શુલ્ક દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે ઘરેલું સ્તરે ઇંધણની ઉપલબ્ધતા વધારવા માટે અણધાર્યા નફા પરનો કર એટલે કે વિન્ડફોલ ટેક્સ લગાવવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય નિકાસકારોને અયોગ્ય લાભ ઉઠાવતા રોકવાનો પણ હતો, કારણ કે યુદ્ધ શરૂ થયા પછી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો વધી ગઈ હતી. સાથે જ, પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે નિકાસને નિરુત્સાહિત કરીને પેટ્રોલિયમ ઉત્પાદનોની ઘરેલું ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી પણ આ કરનો હેતુ હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ