
જૂનાગઢ, 16 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયા અંતર્ગત બાકી રહી ગયેલા તથા ૧૮ થી ૧૯ વર્ષના નવ અને પ્રથમ વખતના પાત્ર મતદારોના નામ નોંધવા માટે ખાસ ઝુંબેશ (Special Drive) યોજવામાં આવી છે. આ આયોજન અંતર્ગત નોડલ અધિકારી ઉચ્ચ શિક્ષણની કચેરી, જૂનાગઢ દ્વારા જિલ્લાની કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લાની કૉલેજોમાં યુવા મતદારોની વધુમાં વધુ નોંધણી થાય તે માટે તમામ કૉલેજોમાં બે યુવા મતદારોને SVEEP નોડલ તરીકે બનાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ નવમાતદાતા તરીકે નોંધાય તે માટે પ્રાર્થના સભા દરમિયાન અપીલ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની ખાસ ઝુંબેશના દિવસો જેમ કે તા. ૧૧/૧૦/૨૦૨૬, તા. ૧૮/૧૦/૨૦૨૬, તા. ૨૫/૧૦/૨૦૨૬ અને તા. ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ બી.એલ.ઓ. (BLO) પાસે મતદાર યાદીમાં નવમાતદાતા તરીકે નામ નોંધાવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. તેમજ પ્રથમ વખતના પાત્ર યુવા મતદારો નામ નોંધાવવા પ્રેરિત થાય તે હેતુથી તા. ૧૩/૧૦/૨૦૨૬ ના રોજ કૉલેજોમાં મતદાતા તરીકે મારું મહત્વ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા યુવાઓ પોતાના નામ મતદાર યાદીમાં અવશ્ય નોંધાવે તેમ સ્વીપ નોડલ અધિકારી અને ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક, જૂનાગઢ દ્વારા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ