


પેકેજ પૂરું થતાં રહેવા-જમવાના વધારાના ખર્ચની ચિંતા પણ વધી
કચ્છ, 16 ઓક્ટોબર (હિ.સ.) : ઉમરાહની પવિત્ર યાત્રા માટે સાઉદી અરેબિયા ગયેલા કચ્છના અંદાજે 300થી 400 યાત્રિકો વિમાની સેવાઓ ખોરવાતાં મુશ્કેલીમાં મુકાયા છે. જેદ્દાહ અને રિયાધમાં રોકાયેલા યાત્રિકોની વતન વાપસીની યોજના ફ્લાઈટો રદ થવાને કારણે અટકી પડી છે. છેલ્લા 15 દિવસમાં કચ્છમાંથી છથી આઠ ટૂર ઉમરાહ માટે રવાના થઈ હતી. તેમાંથી બે ટૂરના 100થી વધુ યાત્રિકોની પરત ફરવાની મુસાફરી પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળ્યું છે. અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે યાત્રિકો અને તેમના પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે.
સાઉદી અરેબિયામાં સુરક્ષાની સ્થિતિને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે વિમાની સેવાઓ રદ થવાના અહેવાલો સામે આવ્યા છે. પરિણામે ભારત પરત ફરવા તૈયાર બેઠેલા યાત્રાળુઓને હવે નવી વ્યવસ્થાની રાહ જોવી પડી રહી છે. સામાન્ય દિવસોમાં અંદાજે 12થી 17 હજાર રૂપિયામાં મળતી હવાઈ ટિકિટના ભાવ વધીને 50 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા હોવાનો દાવો ટૂર સંચાલકોએ કર્યો છે. આટલી ઊંચી કિંમતે પણ ટિકિટ સરળતાથી ઉપલબ્ધ થતી નથી. યાત્રિકોનું કહેવું છે કે, નવી ટિકિટ ખરીદવી આર્થિક રીતે શક્ય નથી, તેથી ફ્લાઈટ શરૂ થાય ત્યારે જૂની ટિકિટના આધારે જ તેમને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. માંડવીના અલ રેહાન ટૂરના હાજી મોઈનભાઈ જતે જણાવ્યું કે મક્કા અને મદીનામાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ પરત ફરવાની ફ્લાઈટ રદ થતાં યાત્રિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ટૂર સંચાલકો હાલ રહેવા-જમવાની જવાબદારી નિભાવી રહ્યા છે, જોકે પેકેજ પૂર્ણ થયા બાદ વધારાનો ખર્ચ મોટો પ્રશ્ન બનશે. હવે યાત્રિકોની નજર ફ્લાઈટ સેવા ફરી શરૂ થવા અને સરકાર તરફથી રાહતરૂપ વ્યવસ્થા થવા પર ટકેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar