
બોટાદ, 16 ઓક્ટોબર (હિ.સ.) : બોટાદ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રને નવી દિશા આપતા રાજ્ય સરકારે બોટાદમાં સ્વનિર્ભર મેડિકલ કોલેજ અને આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી હોસ્પિટલના નિર્માણને મંજૂરી આપી છે. આ નિર્ણયથી જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્તરે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થવાની આશા જાગી છે. આ મંજૂરી બદલ કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર-બોટાદનાં સાંસદ નિમુબેન બાંભણિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
બોટાદ જિલ્લામાં ગંભીર બીમારીઓ અને આકસ્મિક પરિસ્થિતિઓમાં પૂરતી તબીબી સુવિધાઓના અભાવે દર્દીઓ તથા તેમના પરિવારજનોને સારવાર માટે અન્ય મોટાં શહેરોમાં જવું પડતું હતું. આ સમસ્યાના ઉકેલ માટે બોટાદમાં આધુનિક સરકારી હોસ્પિટલ બનાવવાની રજૂઆત નિમુબેન બાંભણિયા દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની રૂબરૂ મુલાકાત કરીને હોસ્પિટલની કામગીરી સત્વરે શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતો બાદ મળેલી મંજૂરીને જિલ્લાના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
મેડિકલ કોલેજ અને આધુનિક હોસ્પિટલના નિર્માણથી બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નજીકમાં ગુણવત્તાયુક્ત સારવાર મેળવવામાં મદદ મળશે. ગંભીર બીમારીઓની સારવાર માટે અન્ય શહેરો સુધીની દોડધામ અને મુસાફરીનો ખર્ચ ઘટવાની પણ આશા છે.
સાથે જ, મેડિકલ કોલેજ શરૂ થવાથી સ્થાનિક યુવાનોને તબીબી શિક્ષણ મેળવી કારકિર્દી ઘડવાની નવી તકો મળશે. આ પ્રોજેક્ટ બોટાદના આરોગ્ય માળખાને મજબૂત બનાવવાની સાથે તબીબી શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસનો નવો માર્ગ ખોલશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA