
સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.): સુરતના સચીન વિસ્તારમાં વકફ બોર્ડ હેઠળના સુન્ની જમાત કપલેથા ટ્રસ્ટના, નાણાંકીય વ્યવહારોમાં મોટી ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. ટ્રસ્ટના કુલ ₹35,48,998ની ઉચાપત કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપ મુજબ, ટ્રસ્ટના બેંક ખાતામાંથી ₹12,62,998 ઉપાડવામાં આવ્યા હતા, જ્યારે ટ્રસ્ટની મિલકતો ભાડે આપીને મળેલા ₹22,86,000 પણ ટ્રસ્ટમાં જમા કરાવવાને બદલે, અંગત ખર્ચમાં વાપરી નાખવામાં આવ્યા હતા.
ફરિયાદના આધારે સચીન પોલીસે તપાસ હાથ ધરીને બે ટીમો બનાવી હતી. બાતમીદારો અને અન્ય સૂત્રોની મદદથી પોલીસે, સરફરાઝઅહમદ શબ્બીરઅહમદ પંચાતી (ઉંમર 42)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી મોબાઇલ રિપેરિંગનો વ્યવસાય કરે છે અને ટ્રસ્ટના વહીવટ સાથે સંકળાયેલો હતો. ટ્રસ્ટની રકમના કથિત દુરુપયોગ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ કેસમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 316(5), 61 અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ હવે ઉચાપત કરાયેલી રકમ ક્યાં વપરાઈ છે અને આ મામલે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે, કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે