


ગાંધીનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણા તીર્થ દેરાસર ખાતે ગચ્છાધિપતિ નરરત્ન સૂરીશ્વર મહારાજ સાહેબનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ અમિતભાઈ શાહે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે ગચ્છાધિપતિ ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે અમિત શાહે જૈન ધર્મના આધ્યાત્મિક મૂલ્યો અને સંત પરંપરા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. આ માહિતી ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગ દ્વારા જણાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. શુક્રવારે તેઓ ગાંધીનગરના રૂપાલ ખાતે શ્રી વરદાયિની માતા મંદિરે દર્શન-પૂજન તથા ભગવાન શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરશે, ત્યારબાદ માણસા ખાતે બહુચર માતાજીના મંદિરે આરતી અને ત્યારબાદ ગાંધીનગરના કોલવડા ખાતે નવરાત્રિ યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં હાજરી આપશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ