
ભાવનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ત્રાપજ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 44 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, મોબાઇલ ફોન અને અન્ય સામાન સહિત કુલ ₹60,156નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર LCBનો પોલીસ સ્ટાફ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ત્રાપજ ગામના બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ ટ્રોલીબેગ અને કીટ સાથે શંકાસ્પદ હાલતમાં ઊભેલો જોવા મળ્યો હતો. પોલીસે તેની તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 44 બોટલ મળી આવી હતી.
પોલીસે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના ભાલખી ગામના વિજેન્દરસિંઘ યાદરામ (42)ને ઝડપી પાડ્યો હતો. કબજે કરાયેલા મુદ્દામાલમાં વિવિધ બ્રાન્ડની રમ અને વ્હિસ્કીની બોટલો, ટ્રોલીબેગ, કીટ તથા પોકો કંપનીનો મોબાઇલ ફોન સામેલ છે.
આ મામલે પોલીસે વિજેન્દરસિંઘ યાદરામ અને મહુવાના વિજય ઉર્ફે ગટી વાસીયા વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મહુવાના વિજય ઉર્ફે ગટી વાસીયાને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ અલંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA