
ભાવનગર, 17 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) દ્વારા ખાનગી ટુ-વ્હીલર મોટરસાઇકલ અને સ્કૂટર માટે નવી નંબર સિરીઝ GJ-04-FG 0001થી 9999ના પસંદગીના નંબર મેળવવા માટે ઈ-ઓક્શન યોજવામાં આવશે. આ માટે વાહનમાલિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ઈ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુક અરજદારો તા. 20 ઓક્ટોબર 2026થી તા. 22 ઓક્ટોબર 2026ના બપોરે 3:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ તા. 22 ઓક્ટોબરથી તા. 24 ઓક્ટોબર 2026ના સાંજે 4 વાગ્યા સુધી બિડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે અરજદારે વાહન વિભાગના સત્તાવાર પોર્ટલ https://vahan.parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ નિર્ધારિત પ્રક્રિયા મુજબ હરાજીમાં ભાગ લઈ પસંદગીના નંબર માટે બિડિંગ અને ચુકવણી કરવાની રહેશે. આ અંગેની વિગતવાર માર્ગદર્શિકા https://vahan.parivahan.gov.in/fancy/faces/public/usermanual.xhtml પર ઉપલબ્ધ છે.
વાહન ખરીદીના સાત દિવસની અંદર ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ થયેલા અરજદારે પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસની અંદર બાકી રકમ જમા કરાવવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી નહીં કરવામાં આવે તો ભરેલી મૂળ રકમ જપ્ત કરવામાં આવશે અને સંબંધિત નંબરની ફરીથી હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ચુકવણી વખતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત દર લાગુ પડશે.
હરાજીમાં સફળ અને નિષ્ફળ રહેલા અરજદારોને તેમના વ્યવહાર અંગે SMS અને ઈ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. નિષ્ફળ અરજદારોને તેમણે જે માધ્યમથી ચુકવણી કરી હશે, તે જ માધ્યમથી SBI E-Pay દ્વારા નાણાં પરત કરવામાં આવશે.
ઈ-ઓક્શનની શરતો અને પ્રક્રિયા અંગેની વધુ માહિતી Appendix-Aમાં ઉપલબ્ધ છે. હરાજી સંબંધિત તમામ બાબતોમાં આખરી સત્તા ભાવનગરના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA