
ભાવનગર, 17 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા જાહેર પરિવહન સેવામાં શિસ્ત અને પારદર્શિતા જાળવવા તેમજ મુસાફરો નિયમોનું પાલન કરે તે હેતુથી સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત સપ્ટેમ્બર-2026 દરમિયાન ટિકિટ વગર મુસાફરી કરતા 18 મુસાફરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મુસાફરો પાસેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિયમો મુજબ કુલ રૂ. 4,360નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે મુસાફરો પાસેથી ટિકિટના નાણાં વસૂલવા છતાં ટિકિટ નહીં આપવાના કિસ્સામાં બે કંડક્ટરો સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરોને નિયમિત, સુરક્ષિત અને સુવિધાયુક્ત પરિવહન સેવા પૂરી પાડવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. બસોમાં મુસાફરો ટિકિટ લઈને જ મુસાફરી કરે અને નિગમના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે વિભાગની લાઇન ચેકિંગ સ્ક્વોડ દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે છે.
ભાવનગર એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક આર.ડી. પિલવાઈકર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં ચેકિંગ દરમિયાન ટિકિટ વગર મુસાફરી કરતા 18 મુસાફરો મળી આવ્યા હતા. આવા મુસાફરો સામે નિયમ મુજબ કાર્યવાહી કરીને કુલ રૂ. 4,360નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ટિકિટ વગર મુસાફરી કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવાનો અને મુસાફરોમાં નિયમો પ્રત્યે જાગૃતિ વધારવાનો છે.
બીજી તરફ, મુસાફરો પાસેથી ટિકિટના નાણાં લીધા બાદ પણ ટિકિટ નહીં આપવાની ગંભીર બાબત સામે આવતા બે કંડક્ટરો સામે ધોરણસરની ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસ.ટી. વિભાગ દ્વારા કર્મચારીઓની કામગીરી પર પણ નજર રાખવામાં આવી રહી છે, જેથી મુસાફરોને યોગ્ય સેવા મળે અને પરિવહન વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે.
આ ઉપરાંત, બસ સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા જળવાય, તમાકુના સેવન અને ગંદકી ફેલાવવા જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે માટે પણ વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.
ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને મુસાફરી દરમિયાન ફરજિયાત ટિકિટ લેવાની અપીલ કરવામાં આવે છે. જાહેર પરિવહન વ્યવસ્થામાં શિસ્ત જળવાય અને મુસાફરોને સુવ્યવસ્થિત સેવા મળી રહે તે માટે ચેકિંગ અને નિયમભંગ સામેની કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA