
પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ રેલવે સ્ટેશનનું અંદાજે રૂ. 40 કરોડના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશનના પૂર્વ અને પશ્ચિમ છેડા તેમજ પ્લેટફોર્મને જોડતો 72 મીટર લાંબો અને 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે ડી. આર. અગ્રવાલ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી દ્વારા હાથ ધરાયેલા આ કામને આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
બ્રિજના નિર્માણ માટે હાલ ક્રેનની મદદથી પિલર અને કમાનો ગોઠવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. મુસાફરોને સુવિધા મળે તે માટે બ્રિજને આધુનિક ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવશે. તેમાં રૂફ ટ્રસ પદ્ધતિથી ડોમ બનાવવામાં આવશે, જ્યારે કમાનો પર એક્રેલિક પતરા લગાવવામાં આવશે. આ વ્યવસ્થાથી કુદરતી પ્રકાશ મળી રહેવાની સાથે મુસાફરોને તડકા અને વરસાદથી પણ રક્ષણ મળશે.
આધુનિક ફૂટ ઓવર બ્રિજમાં મુસાફરો માટે રૂફ પ્લાઝા, ખાણીપીણીના સ્ટોલ અને આરામની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દિવ્યાંગો, વૃદ્ધો તેમજ સામાન સાથે મુસાફરી કરતા લોકોને અવરજવરમાં સરળતા રહે તે માટે ચાર સીડીઓ, બે લિફ્ટ અને બે એસ્કેલેટર બનાવવાનું આયોજન છે. બ્રિજ તૈયાર થયા બાદ પાટણ રેલવે સ્ટેશન પર મુસાફરોની અવરજવર વધુ સરળ બનશે અને સ્ટેશનની આધુનિક સુવિધાઓમાં વધારો થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ