

- ડૉક્ટરોની સતર્કતા અને ૧૦૮ની NICU એમ્બ્યુલન્સની સમયસૂચક કામગીરીથી બાળકી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ પહોંચાડાઈ; અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સેવાઓની સંવેદનશીલ કામગીરીની થઈ સરાહના
કચ્છ, 17 ઓક્ટોબર (હિ.સ.) : જીવનની સૌથી મુશ્કેલ ઘડીમાં સમયસર મળતી સારવાર દર્દી અને પરિવાર માટે આશાનું કિરણ બની શકે છે. લખપત તાલુકાના દયાપર ખાતે આવેલી સરકારી હોસ્પિટલના તબીબો અને ૧૦૮ની NICU એમ્બ્યુલન્સની ટીમે સંવેદનશીલતા, સતર્કતા અને કર્તવ્યનિષ્ઠાનો આવો જ દાખલો રજૂ કર્યો છે. હૃદયમાં કાણું ધરાવતી નવજાત બાળકીને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવાની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, લખપત તાલુકાના આશાલડી ગામના જત પરિવારનાં કુલસુમબેન સીધીકભાઈ જતની પ્રસૂતિ દયાપર સરકારી હોસ્પિટલમાં થઈ હતી. નવજાત બાળકીની તબીબી તપાસ દરમિયાન સોનોગ્રાફી રિપોર્ટનું નિરીક્ષણ કરતાં ડૉ. શક્તિ અને ડૉ. નિખિલને તેના હૃદયમાં કાણું હોવાની જાણ થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોએ પરિવારજનોને સમજણ આપી અને બાળરોગ નિષ્ણાતની સલાહ તથા વિશેષ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાનું માર્ગદર્શન આપ્યું હતું.
આ પરિવાર અગાઉ પણ દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થયો હતો. મળતી માહિતી મુજબ, પરિવારના અગાઉના બાળકનું જન્મ બાદ થોડા દિવસોમાં કમળાની બીમારીને કારણે અવસાન થયું હતું. અગાઉની ગર્ભાવસ્થામાં કસુવાવડનો અનુભવ પણ થયો હતો. આવી મુશ્કેલીઓ વચ્ચે જન્મેલી દીકરીની તબિયત અંગેની જાણ થતાં પરિવાર માટે સમયસર સારવાર અત્યંત મહત્ત્વપૂર્ણ બની હતી.
બાળકીને સુરક્ષિત રીતે ભુજ પહોંચાડવા માટે ૧૦૮ની NICU એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ઇમરજન્સી કોલ મળતાં EMT અશ્વિન મકવાણા અને પાઇલટ રમેશભાઈ ગરવાએ તાત્કાલિક કામગીરી સંભાળી હતી. જરૂરી કાળજી સાથે બાળકીનો ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
આ કામગીરી બદલ ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર પ્રજાપતિ અને EME રાહુલ ગોરે દયાપર સરકારી હોસ્પિટલની ટીમની કામગીરીને બિરદાવી હતી. અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓ અને ઇમરજન્સી સેવાના સંકલનથી નવજાત બાળકીને વિશેષ સારવાર સુધી પહોંચાડવાની આ ઘટના સેવાભાવ અને માનવતાનું પ્રેરક ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar