
- NIFT ગાંધીનગરના નિયામક ડૉ. સમીર સૂદે મહોત્સવની વિશેષતાઓની માહિતી આપી
ગાંધીનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : NIFT ગાંધીનગર દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઇવેન્ટ સેન્ટર A ખાતે 23થી 30 ઑક્ટોબર, 2026 દરમિયાન યોજાનારા ‘CHHAAP@Sabarmati 2026’ અંગે માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે NIFT ગાંધીનગરના નિયામક પ્રોફેસર ડૉ. સમીર સૂદે મહોત્સવની વિશેષતાઓ અને વિવિધ કાર્યક્રમોની વિગતો આપી હતી. ભારતની સમૃદ્ધ હસ્તકલા વિરાસત, સર્જનાત્મકતા અને સમકાલીન ડિઝાઇનની ઉજવણી કરતા આ 8 દિવસીય મહોત્સવમાં દેશભરના NIFTના 20 કેમ્પસના સહયોગથી હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ વારસાને પ્રોત્સાહન આપવામાં આવશે.
ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે, CHHAAP@Sabarmati 2026ની થીમ “સ્વર્ણિમ ભારત – વિરાસત અને વિકાસ | Rooted in Heritage. Reimagined for Tomorrow” ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ભવિષ્ય માટેની આકાંક્ષાઓ વચ્ચે અર્થપૂર્ણ સંવાદ સ્થાપિત કરવાની દૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે. CHHAAP એ NIFTનો સિગ્નેચર ઇવેન્ટ છે, જે અગાઉ 2024માં દિલ્હીમાં અને 2025માં હૈદરાબાદમાં યોજાયો હતો. આ વર્ષે ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાનારો આ મહોત્સવ હસ્તકલાના ક્ષેત્રે વિશિષ્ટ અનુભવ બની રહેશે. કાર્યક્રમમાં 9થી 10 વિશિષ્ટ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હસ્તકલા ક્ષેત્રે વર્ચ્યુઅલ રિયાલિટી (VR) આધારિત અનુભવ રજૂ કરવામાં આવશે. VR ગ્લાસ દ્વારા મુલાકાતીઓ ભારતના વિવિધ રાજ્યોની હસ્તકલા અને સાંસ્કૃતિક પરંપરાઓને ઇમર્સિવ અનુભવના માધ્યમથી જાણી શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું, કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ભારતની વસ્ત્ર પરંપરાથી પ્રેરિત ફેશન વૉક યોજાશે. આશરે 14 મિનિટના આ ફેશન વૉક દ્વારા સિંધુ ખીણની સંસ્કૃતિથી ખાદી અને આધુનિક કાપડ ઉદ્યોગ સુધીની ભારતની વસ્ત્ર પરંપરાની સફર તથા વિકસિત ભારતના નિર્માણમાં કાપડ ઉદ્યોગના યોગદાનને રજૂ કરવામાં આવશે. ડૉ. સૂદે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા વિકસિત ભારતના નિર્માણમાં ‘3T’ની ભૂમિકા પર ભાર મૂકે છે અને તેમાં ટેક્સટાઇલ્સને પ્રથમ ‘T’ તરીકે મહત્ત્વ આપે છે. આ ફેશન વૉક દ્વારા ભારતના કાપડ ઉદ્યોગે દેશની પ્રગતિમાં આપેલા યોગદાનને પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત, મહોત્સવમાં હસ્તકલા પ્રદર્શનો, જીવંત નિદર્શન, કાર્યશાળાઓ, માસ્ટરક્લાસ, પેનલ ચર્ચાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ