
ભાવનગર, 17 ઓક્ટોબર (હિ.સ.)શક્તિ, ભક્તિ અને સંસ્કારના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે બેલુર વિદ્યાલય ખાતે પરંપરા અને આધ્યાત્મિકતાના સમન્વય સાથે નવરાત્રી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માઁ અંબાનું સ્થાપન, મહાઆરતી, ધાર્મિક અનુષ્ઠાન અને કુળદેવી વંદના સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
મહોત્સવ દરમિયાન માઁ આદ્યશક્તિની આરાધના, સ્તુતિ અને ગરબા ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે શ્રદ્ધા તથા ઉત્સાહ સાથે ભાગ લઈને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નવરાત્રી પર્વના આધ્યાત્મિક મહત્ત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. રાસ-ગરબાની પરંપરા, ભારતીય સંસ્કૃતિના વારસા અને તહેવારો દ્વારા જીવનમાં સંસ્કાર, એકતા તથા સદ્ભાવના કેળવવાના મહત્ત્વ વિશે સમજ આપવામાં આવી હતી. આ રીતે શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિદ્યાલયના ડિરેક્ટર્સ બાલુભાઈ જી. મકવાણા, ડૉ. ડી.સી. લાડુમોર, મનુભાઈ જી. મકવાણા, આર.એચ. હડિયા, મંગળભાઈ સી. લાડુમોર, એમ.ડી. બી.સી. લાડુમોર, સેક્રેટરી પી.એમ. નકુમ, નિલેશભાઈ બી. મકવાણા, દેવિનભાઈ એમ. મકવાણા અને અંકુરભાઈ આર. હડિયા સહિત આચાર્ય રમેશભાઈ બામરોટીયા તથા સમગ્ર સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
બેલુર વિદ્યાલય ખાતે યોજાયેલા આ મહોત્સવથી વિદ્યાર્થીઓમાં ભક્તિભાવની સાથે ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને નૈતિક મૂલ્યો પ્રત્યેની સમજને વધુ દૃઢ બનાવવાનો સુંદર પ્રયાસ થયો હતો.
અંતે માઁ આદ્યશક્તિ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સદ્બુદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે તથા બેલુર વિદ્યાલય પરિવાર સતત પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સંસ્થાએ શ્રદ્ધા, શક્તિ, સંસ્કાર અને સંસ્કૃતિના મૂલ્યો સાથે સક્ષમ શાળા અને સક્ષમ વિદ્યાર્થીના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA