મધ્યપ્રદેશના ઐતિહાસિક ઝાંસીમાં ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથાનું આયોજન
ભાવનગર, 17 ઓક્ટોબર (હિ.સ.)મધ્યપ્રદેશના ઐતિહાસિક શહેર ઝાંસીમાં ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા દરમિયાન પૂજ્ય મોરારિબાપુએ રામકથાના કલ્યાણકારી સ્વરૂપનું મહાત્મ્ય સમજાવ્યું હતું. કન્યાકુમારીથી પ્રારંભ થયેલી આ અનોખી રામકથા યાત્રા સાતમા દિવસે ઝાંસી ખાતે પહ
મોરારી બાપુ ફાઈલ ફોટો


ભાવનગર, 17 ઓક્ટોબર (હિ.સ.)મધ્યપ્રદેશના ઐતિહાસિક શહેર ઝાંસીમાં ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા દરમિયાન પૂજ્ય મોરારિબાપુએ રામકથાના કલ્યાણકારી સ્વરૂપનું મહાત્મ્ય સમજાવ્યું હતું. કન્યાકુમારીથી પ્રારંભ થયેલી આ અનોખી રામકથા યાત્રા સાતમા દિવસે ઝાંસી ખાતે પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કથાનું રસપાન કર્યું હતું.

‘મંગલ ભવન અમંગલ હારી...’ ચોપાઈને કેન્દ્રમાં રાખીને રામકથાનું ગાન કરતાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે, રામકથા એ કલ્યાણકારી શાસ્ત્ર છે અને સ્વસ્તિકનું સ્વરૂપ પણ કલ્યાણકારી છે. તેમણે સ્વસ્તિકના ચાર માર્ગો વિશે સમજણ આપતાં દેવમાર્ગ, પિતૃમાર્ગ, સૂર્યમિત્ર માર્ગ અને ગુરુમાર્ગનું મહત્વ સમજાવ્યું હતું.

મોરારિબાપુએ દેવમાર્ગને સત્ય, પ્રેમ અને કરુણા સાથે જોડ્યો હતો. પિતૃમાર્ગમાં તર્પણ, યજ્ઞ અને શ્રવણનું મહત્વ સમજાવ્યું હતું. સૂર્યમિત્ર માર્ગ અંતર્ગત ઉત્તરાયણ અને દક્ષિણાયન વિશે વાત કરી હતી, જ્યારે ગુરુમાર્ગને શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસાનું પ્રતીક ગણાવ્યો હતો.

કથાના પ્રસંગોમાં ભગવાનના અવતારનો હેતુ સમજાવવામાં આવ્યો હતો. સાથે જ ભગવાન શ્રીરામના જન્મપ્રસંગનું ભાવપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું હતું.

ઝાંસીમાં નવરાત્રિના શક્તિપર્વની વંદના સાથે રામકથાનો પ્રારંભ કરતાં મોરારિબાપુએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું સ્મરણ કરીને આ ઐતિહાસિક ભૂમિ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

દક્ષિણ ભારતથી ઉત્તર ભારત સુધીની રેલયાત્રા અંતર્ગત યોજાતી આ ‘ભારત સ્વસ્તિક યાત્રા’માં મોટી સંખ્યામાં શ્રોતા-યાત્રિકો જોડાયા છે. અન્ય વાહનમાર્ગે પણ ભાવિકો કથાસ્થળે પહોંચી તીર્થદર્શનનો લાભ લઈ રહ્યા છે. ઝાંસી બાદ શનિવારે મથુરામાં રામકથાનું ગાન યોજાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande