

પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.) : ઐતિહાસિક નગરી સિદ્ધપુરમાં આસો સુદ છઠ્ઠના પર્વે સરસ્વતી નદીના કિનારે પશુવાદળની પોળ બહાર આવેલા પ્રાચીન વહાણવટી શિકોતર માતાજીના સ્થાનકે પરંપરાગત પલ્લી મહોત્સવ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. નવરાત્રિના પવિત્ર દિવસોમાં યોજાતા આ મહોત્સવમાં સિદ્ધપુર શહેર સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
આસો સુદ છઠ્ઠની રાત્રે શહેરના ઠાકોરવાસમાં સોમાભાઈ રાવળના નિવાસસ્થાનેથી, માતાજીની પલ્લીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પલ્લી માટે દૂધની ખીર, અડદની દાળના વડા, ખીચડો અને ઘી સહિતની પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ ઢોલ-નગારાંના નાદ અને મશાલો સાથે શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે પલ્લી લઈને માતાજીના મંદિરે પહોંચ્યા હતા. ત્યાં વિધિવત્ નૈવેદ્ય અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી હતી. માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તોએ માનતા પૂર્ણ કરવા માટીના ઘડામાં ગરબી કોતરાવી માતાજીના ખોળે અર્પણ કરી હતી.
પલ્લી મહોત્સવના પગલે સરસ્વતી નદીના કિનારે, ભવ્ય લોકમેળો પણ ભરાયો હતો. મેળામાં ખાણીપીણીની વિવિધ દુકાનો, ચકડોળ, ચકરડી સહિતનાં મનોરંજનનાં સાધનો બાળકો અને પરિવારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. રાત્રિ દરમિયાન મેળાગ્રાઉન્ડ અને મંદિર પરિસરમાં મોટી ભીડ જોવા મળી હતી. પરંપરા, શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન આ પલ્લી મહોત્સવમાં હજારો ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ