


પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં વિશ્વ ખાદ્ય દિવસ નિમિત્તે દાઉદી બોહરા સમાજ દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ધર્મગુરુ હિઝ હોલીનેસ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ RISE અંતર્ગત શહેરના ઐતિહાસિક જૂના ટાવર ખાતે જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ ખાદ્ય દિવસનો મુખ્ય હેતુ ભૂખમરો દૂર કરવા, અન્નનો બગાડ અટકાવવા અને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પોષણયુક્ત ભોજન પહોંચાડવા અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. આ હેતુને ધ્યાનમાં રાખીને સર્વ સમાજના જરૂરિયાતમંદ લોકોને કોઈપણ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વિના ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમમાં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, કારોબારી ચેરમેન અંકુરભાઈ મારફતિયા, સેવાભાવી કાર્યકર્તા ભુરાભાઈ પઠાણ સહિત નગરજનો અને દાઉદી બોહરા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દાઉદી બોહરા સમાજ દ્વારા પ્રોજેક્ટ RISE હેઠળ માનવસેવા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વિશ્વ ખાદ્ય દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા માનવતા, ભાઈચારો અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ