
-20 ઓક્ટોબરના રોજ ગૃહમંત્રી માનસા, ગુરદાસપુર અને સંગરુરમાં જશે.
ચંદીગઢ, નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, 20 ઓક્ટોબરના રોજ પંજાબના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ માનસામાં નશા વિરુદ્ધ અવાજ ઉઠાવનાર કાર્યકર્તા પરવિંદર સિંહ ઝોટાના પરિવારજનોને મળશે. આ પછી તેઓ ગુરદાસપુરમાં વિક્રમજીત સિંહ અને સંગરુરમાં ગુલઝાર સિંહના પરિવારજનોને પણ મળશે. રવિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવનીત સિંહ બિટ્ટુએ આ માહિતી આપી.
બિટ્ટુના જણાવ્યા અનુસાર, અમિત શાહ આખો દિવસ પંજાબમાં રહેશે અને નશાને કારણે પ્રભાવિત પરિવારોને મળશે. લગભગ એક મહિનાની અંદર આ બીજી તક હશે, જ્યારે ગૃહમંત્રી પંજાબ આવશે.
ભાજપ આ પ્રવાસને રાજ્યમાં નશાની સમસ્યા વિરુદ્ધ પોતાના અભિયાન સાથે જોડીને જોઈ રહી છે. માનસામાં દવાની દુકાનના સંચાલકે 13 ઓક્ટોબરના રોજ નશાનો વિરોધ કરવા બદલ ઝોટાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેના બરાબર બે દિવસ પછી 15 ઓક્ટોબરની રાત્રે શ્રી હરગોબિંદપુર સાહિબ વિસ્તારના માડી પન્નવાં ગામમાં માદક દ્રવ્યો વેચવાનો વિરોધ કરવા બદલ વિક્રમજીત સિંહની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગુલઝાર સિંહે 8 સપ્ટેમ્બરના રોજ કીટનાશકનું સેવન કરીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે મરતા પહેલા કહ્યું હતું કે મેં મંત્રી હરપાલ સિંહ ચીમને ગામમાં ચિટ્ટા વેચાવાની ફરિયાદ કરી હતી, જેના પછી તેને ધમકાવવામાં આવ્યો હતો.
પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે ત્રણ મહિનાનો સમય બાકી છે. ભાજપ પંજાબમાં નશાને મુદ્દો બનાવીને ‘નશા મુક્ત પંજાબ યાત્રા’ કાઢી ચૂકી છે. ગૃહમંત્રી અમિત શાહ 30 સપ્ટેમ્બરના રોજ આ યાત્રાના સમાપન પ્રસંગે જલંધર આવ્યા હતા. અમિત શાહે જાહેરાત કરી છે કે પંજાબમાં ભાજપની સરકાર બન્યા પછી 31 ડિસેમ્બર 2029 સુધીમાં નશામુક્ત કરી દેવામાં આવશે. હવે અમિત શાહનો પંજાબ પ્રવાસ નશાના મુદ્દે ઘણા મહત્વ ધરાવે છે.
તાજેતરમાં ઝોટાના મૃત્યુ પર ગૃહમંત્રી અમિત શાહે સામાજિક માધ્યમ એક્સ પર લખ્યું હતું કે, હું આજે પંજાબની જનતા સમક્ષ મારો સંકલ્પ દોહરાવું છું કે પંજાબમાં અમારી સરકાર બન્યા પછી અમે નશામુક્ત, ગુનેગારમુક્ત અને સુરક્ષિત પંજાબ બનાવવા માટે પૂરી તાકાતથી કામ કરીશું. અમારો લક્ષ્ય સ્પષ્ટ છે - નશાના કારોબાર પર પ્રહાર, યુવાનોના ભવિષ્યનું રક્ષણ, અપરાધીઓ પર કડક કાર્યવાહી અને કાયદાનું એવું શાસન, જેમાં કોઈ પણ નાગરિક ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર ન હોય.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ