રાજકોટમાં 900 કિલોથી વધુ સોનાના પરંપરાગત ઘરેણાં પહેરી 15 હજારથી વધુ આહિરાણીઓ રમ્યા 'દિવ્યરાસ'
રાજકોટ, 18 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં આહિર સેના દ્વારા આયોજિત અહિર ગરબા મહોત્સવમાં 15 હજારથી વધુ મહિલાઓએ પરંપરાગત પોશાક અને અંદાજે 900 કિલોગ્રામ સોનાના દાગીના પહેરીને ભવ્ય રાસ-ગરબા રમ્યા હતા, જેની કુલ કિંમત 1300 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છ
રાજકોટમાં આહિરાણીઓનો દિવ્યરાસ


રાજકોટ, 18 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં આહિર સેના દ્વારા આયોજિત અહિર ગરબા મહોત્સવમાં 15 હજારથી વધુ મહિલાઓએ પરંપરાગત પોશાક અને અંદાજે 900 કિલોગ્રામ સોનાના દાગીના પહેરીને ભવ્ય રાસ-ગરબા રમ્યા હતા, જેની કુલ કિંમત 1300 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે.

આ ભવ્ય મહોત્સવમાં નવરાત્રીના સાતમા દિવસે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો. સોનાના ઝગમગાટથી સજેલી મહિલાઓની ઉપસ્થિતિથી સમગ્ર ગરબા મેદાન દીપી ઉઠ્યું હતું. આહિર સમાજના ભાઈ-બહેનો દ્વારા નવ દિવસ સુધી પરંપરાગત અંદાજમાં આયોજિત આ ઉત્સવ માત્ર નૃત્ય પૂરતો મર્યાદિત ન રહેતા સમાજની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતિક બની રહ્યો છે. આહિર સેનાના પ્રમુખ ભાવેશ લોખિલે જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનોથી આપણી પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિ જીવંત રહે છે.

આ ભવ્ય આયોજનનું મુખ્ય આકર્ષણ ભગવાન શ્રી દ્વારકાધીશની ભવ્ય મહાઆરતી રહી હતી. હજારો મહિલાઓ દ્વારા એકસૂત્રતામાં કરાયેલ પરંપરાગત રાસ અને દ્વારકાધીશની આરતીના સંગમથી સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. નવરાત્રીના આ પાવન પર્વ નિમિત્તે આહિર સમાજ દ્વારા પોતાની પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરાઓ અને ધાર્મિક આસ્થાઓને નવી યુવા પેઢી સુધી પહોંચાડવાનો એક ઉત્તમ અને પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ ઐતિહાસિક મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ ન રહેતા ગુજરાતની સાંસ્કૃતિક ભવ્યતાનું પ્રતિક બની ગયો છે. પરંપરાગત વેશભૂષા, સમૂહ ગરબા અને અબજો રૂપિયાના આભૂષણોની ચમક સાથે આયોજિત આ કાર્યક્રમે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. આ અનોખા ગરબા મહોત્સવ દ્વારા આહીર સમાજે પોતાની સમૃદ્ધ વિરાસતને દેશભરમાં ગર્વભેર પ્રદર્શિત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande