
ભાવનગર,18 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ પ્રેરાય અને બાગાયતી પાકોનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 દરમિયાન વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ચાલુ વર્ષે બાગાયતી યોજનાઓ હેઠળ બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતર વિસ્તાર વધારવા, આદુ અને હળદર જેવા રાઈઝોમેટીક પાકોને પ્રોત્સાહન આપવા તેમજ ફળપાકોમાં ફિલ્ડ કવરનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતો 30 ઑક્ટોબર, 2026 સુધી આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરી શકશે.
આ ઉપરાંત, નેશનલ હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત નર્સરી સ્થાપવા માટે પણ સહાય આપવામાં આવશે. એકથી બે હેક્ટર વિસ્તારમાં મોટી નર્સરી સ્થાપવા માટે કુલ ખર્ચના 40 ટકા અથવા મહત્તમ રૂ. 24 લાખ અને 0.40થી એક હેક્ટર વિસ્તારમાં નાની નર્સરી સ્થાપવા માટે કુલ ખર્ચના 40 ટકા અથવા મહત્તમ રૂ. 8 લાખ સુધીની સહાય મળશે. આ માટે 25 ઑક્ટોબર, 2026 સુધી અરજી કરી શકાશે.
અરજી કરવા માટે ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબરથી ઓટીપી વેરિફિકેશન કરાવવાનું રહેશે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે.
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, સરકારી ટેકનિકલ સ્કૂલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો સંપર્ક કરવા અથવા ફોન નંબર 0278-2420444 પર જાણકારી મેળવવા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA