

ગાંધીનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબાની મજા માણી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના મગોડી SRP કેમ્પ (Group 12) ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગરબે રમતી બહેનો અને મહિલા કર્મચારીઓ માટે એક વિશેષ મહિલા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ૧૮૧ અભયમની ટીમે ગરબા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત બહેનોને કટોકટીના સમયે પોતાની સુરક્ષા કેવી રીતે કરવી અને કાનૂની સહાય મેળવવી તેની વિસ્તૃત માહિતી આપી હતી. ટીમના સભ્યો દ્વારા બહેનોને મોડી રાત્રે અવરજવર કરતી વખતે રાખવાની સાવચેતીઓ, અજાણ્યા તત્વો દ્વારા થતી છેડતી કે પીછો કરવા જેવી બાબતો સામે અવાજ ઉઠાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
વધુમાં, ટેકનોલોજીના યુગમાં મહિલાઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પોતાની સુરક્ષા જાતે જ સુનિશ્ચિત કરી શકે તે માટે હાજર રહેલી તમામ બહેનોના મોબાઇલમાં '181 Abhayam' એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બહેનોને સમજાવવામાં આવ્યું હતું કે આ એપ્લિકેશનનું ‘પેનિક બટન’ મુશ્કેલીના સમયે દબાવતા જ ગણતરીની મિનિટોમાં અભયમ રેસ્ક્યુ વાન લોકેશન ટ્રેક કરીને મદદ માટે ઘટનાસ્થળે પહોંચી જાય છે.
નવરાત્રીના માહોલ વચ્ચે SRP કેમ્પ પરિસરમાં યોજાયેલા આ સરાહનીય જાગૃતિ કાર્યક્રમને કારણે ગરબે રમતી દીકરીઓ અને મહિલાઓમાં સુરક્ષાની ભાવના અને આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ