
ભાવનગર,18 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં મતદારયાદીને અદ્યતન અને સર્વસમાવેશી બનાવવા માટે તા. 18 અને 25 ઓક્ટોબર, 2026ના રોજ તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયા અંતર્ગત નવા મતદારોની નોંધણી અને મતદારયાદીમાં નામ નોંધાવવાથી બાકી રહી ગયેલા પાત્ર નાગરિકોને આવરી લેવા માટે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
જે રાજ્યોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં આ ઝુંબેશ દ્વારા મતદારયાદીમાં સુધારા અને નવી નોંધણીની કામગીરીને વેગ આપવામાં આવશે. ભાવનગર જિલ્લામાં પણ નાગરિકોની સુવિધા માટે બંને દિવસ મતદાન મથકો પર જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
તા. 18 અને 25 ઓક્ટોબરના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી નિયુક્ત અધિકારી અને બૂથ લેવલ ઓફિસર (BLO) મતદાન મથકો પર ઉપસ્થિત રહેશે. આ દરમિયાન નાગરિકો પાસેથી મતદારયાદી સંબંધિત હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. નવા મતદારોની નોંધણી ઉપરાંત નામ, સરનામું સહિતની વિગતોમાં સુધારા માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
હાલમાં નોન-SIR સમયગાળો હોવાથી મતદાર નોંધણી નિયમો, 1960 હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકો ફોર્મ-6 ભરીને મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા અરજી કરી શકશે.
ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો અને અગાઉ કોઈ કારણસર મતદારયાદીમાં નામ નોંધાવી શક્યા ન હોય તેવા પાત્ર નાગરિકોને આ તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. નાગરિકોની સક્રિય ભાગીદારીથી મતદારયાદી વધુ ચોક્કસ અને અદ્યતન બની શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA