
ભાવનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ટેક્નોલોજીના યુગમાં પણ પરંપરાગત લોકકળા લોકો સુધી સંદેશ પહોંચાડવાનું અસરકારક માધ્યમ બની રહી છે. ભાવનગર જિલ્લાના સિદસરના ભાટ પરિવારોનાં પાંચ કુટુંબો કઠપૂતળીના ખેલ દ્વારા લોકમનોરંજનની સાથે લોકજાગૃતિનું કાર્ય કરી સ્વરોજગારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.
છેલ્લાં ૨૫ વર્ષથી આ પરિવારો માહિતી વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગો સાથે જોડાઈ કઠપૂતળીના કાર્યક્રમો દ્વારા સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સરળતાથી સમજી શકે તેવી રસપ્રદ રજૂઆત દ્વારા યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવે છે. મનોરંજનની સાથે જાગૃતિનો સંદેશ આપતી આ લોકકળા આજે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
શિવાજી મહારાજ, અમરસિંહ રાઠોડ અને અકબર બાદશાહ જેવાં ઐતિહાસિક પાત્રોને કઠપૂતળીના માધ્યમથી જીવંત કરતા આ કલાકારો સમયની જરૂરિયાત પ્રમાણે વિવિધ સામાજિક અને સરકારી સંદેશાઓ પણ રજૂ કરે છે. ભાવનગર ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ કાર્યક્રમો આપીને તેઓ પોતાની કલાનો વ્યાપ વધારી રહ્યા છે.
કળા થકી રોજગારી અને પરંપરાનું જતન
સિદસરના કલાકાર મુકેશ ભાટ જણાવે છે કે કઠપૂતળીનો ખેલ તેમનો મુખ્ય વ્યવસાય છે. જરૂરિયાત મુજબ તેઓ ભવાઈના કાર્યક્રમો પણ કરે છે. સરકારી કાર્યક્રમોમાં મળતા મહેનતાણાથી પરિવારનું ગુજરાન ચાલે છે. તેમની કળાથી લોકોને યોજનાઓની માહિતી મળે છે અને કલાકારોને રોજગારી પ્રાપ્ત થાય છે.
સિદસરના આ ભાટ પરિવારોની સફર સાબિત કરે છે કે પરંપરાગત લોકકળા માત્ર સાંસ્કૃતિક વારસો જ નહીં, પરંતુ સ્વાવલંબનનું માધ્યમ પણ બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA