
મુંબઈ, નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.). મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે મુંબઈમાં જણાવ્યું કે, ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસની ટીમે રાજસ્થાનના કોટાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
મુખ્યમંત્રી ફડણવીસે પત્રકારોને જણાવ્યું કે, આ કેસમાં આરોપીઓ રવિવારે રાત્રે ફાયરિંગ કર્યા પછી સુરત ચાલ્યા ગયા હતા. સુરતથી ત્રણેય આરોપીઓ પુણે-જયપુર ટ્રેનથી જઈ રહ્યા હતા, તેની જાણકારી મુંબઈ પોલીસના એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સને મળી ગઈ હતી. આના આધારે મુંબઈ પોલીસે આ જાણકારી રાજસ્થાન પોલીસ સાથે શેર કરી. આ પછી કોટા પોલીસના સહયોગથી ત્રણેય આરોપીઓની કોટામાં ધરપકડ કરી લેવામાં આવી. મુંબઈ પોલીસ આ ત્રણેયને મુંબઈ લાવવા માટે કાનૂની પ્રક્રિયા પૂરી કરી રહી છે. આ પછી ત્રણેયને જલદી મુંબઈ લાવવામાં આવશે અને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
આ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રવિવારે અજાણ્યા આરોપીઓએ જુહુ સ્થિત પુષ્પા પાર્ક પાસે ટાઈગર શ્રોફની કાર પર 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સીસીટીવી ફૂટેજ અનુસાર, હુમલાખોરો પુષ્પા પાર્ક પાસે લગભગ 45 મિનિટ સુધી રાહ જોઈ રહ્યા હતા. જેવા ટાઈગર શ્રોફ પોતાની કાર તરફ આવી રહ્યા હતા, ત્યાં પહેલાથી જ હાજર હુમલાખોરોએ ટાઈગર શ્રોફ પર કુલ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આમાંથી 5 ગોળીઓ નિશાન ચૂકી ગઈ, જ્યારે 2 ગોળીઓમાંથી એક શ્રોફના ડ્રાઈવરને વાગી, જ્યારે બીજી ગોળી એક રિક્ષા ચાલકને વાગી હતી. ટાઈગરને ફક્ત ખરોચો આવી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક આરોપીની પિસ્તોલ અચાનક ફસાઈ ગઈ, જેના કારણે તે પિસ્તોલમાંથી ગોળી ન નીકળી. આ કેસમાં જુહુ પોલીસે કેસ દાખલ કર્યો અને કેસની તપાસ માટે 15 ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા દ્વિચક્રી વાહનને જપ્ત કરી લીધું છે. અંધેરીથી જપ્ત કરાયેલી આ મોટરસાઈકલ પર મુંબઈનો રજીસ્ટ્રેશન નંબર છે. નંબર પ્લેટ અને રજીસ્ટ્રેશન ડિટેલ દ્વારા આ વાહનના પાછલા રેકોર્ડની તપાસ પોલીસ ટીમ કરી રહી છે. પોલીસ ઘટનાસ્થળથી લઈને અંધેરી સ્ટેશન સુધીના સીસીટીવી ફૂટેજનું પણ વિશ્લેષણ કરી રહી છે, જેથી આરોપીઓની અવરજવર અને તેમના ભાગી છૂટવાના રસ્તાઓ શોધી શકાય. આ કેસની તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ