
નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.). જાહેર ક્ષેત્રની પંજાબ એન્ડ સિંધ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2026-27ની બીજી ત્રિમાસિક (જુલાઈ-સપ્ટેમ્બર)માં ઉત્તમ પ્રદર્શન કર્યું છે. બેંકનો ચોખ્ખો નફો લગભગ 40 ટકા વધીને 412 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન બેંકની ચોખ્ખી વ્યાજ આવક (એનઆઈઆઈ) 22 ટકા વધીને 1,161 કરોડ રૂપિયા થઈ ગઈ, જે કોર બેંકિંગ આવકમાં સારો વધારો દર્શાવે છે.
બેંકે જણાવ્યું કે, આ જ રીતે કાર્યકારી નફો (ઓપરેટિંગ પ્રોફિટ) પણ 22.3 ટકા વધીને 617 કરોડ રૂપિયા થઈ ગયો, જ્યારે નાણાકીય વર્ષ 2025-26ની બીજી ત્રિમાસિકમાં તે 505 કરોડ રૂપિયા હતો. આ સાથે બેંકે તેની સંપત્તિની ગુણવત્તામાં સુધારો કરવાનું ચાલુ રાખ્યું છે. કુલ બિન-કાર્યકારી સંપત્તિઓ (ગ્રોસ એનપીએ) અગાઉની ત્રિમાસિકના 2.21 ટકાથી ઘટીને 2.09 ટકા રહી ગઈ, જ્યારે ચોખ્ખી બિન-કાર્યકારી સંપત્તિઓ (નેટ એનપીએ) 0.65 ટકાથી સુધરીને 0.61 ટકા પર આવી ગઈ છે.
પંજાબ એન્ડ સિંધ બેંકના આ ત્રિમાસિકમાં પ્રોવિઝન્સ 52 કરોડ રૂપિયા રહ્યા, જ્યારે નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ ત્રિમાસિકમાં તે 94 કરોડ રૂપિયા અને પાછલા નાણાકીય વર્ષ 2025-26ની બીજી ત્રિમાસિકમાં લગભગ 148 કરોડ રૂપિયા હતા. આનાથી બેંકની નફાકારકતામાં સુધારો થયો છે. આ પરિણામો દર્શાવે છે કે, પંજાબ એન્ડ સિંધ બેંક તેની કોર આવકને મજબૂત કરવા, સંપત્તિની ગુણવત્તામાં સુધારો લાવવા અને સતત વિકાસ જાળવી રાખવા પર સતત ધ્યાન આપી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ