જામનગરની 323 વર્ષ જૂની જલાની જાર ગરબીમાં સાતમા નોરતે ‘ઈશ્વર વિવાહ’ની પરંપરા ઉજવાઈ
જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) જામનગરના ઐતિહાસિક જલાની જાર વિસ્તારમાં છેલ્લા 323 વર્ષથી યોજાતી પ્રાચીન ગરબીમાં આસો સુદ સાતમના દિવસે ‘ઈશ્વર વિવાહ’ની પૌરાણિક પરંપરા ઉજવવામાં આવી છે. કોઈપણ આધુનિક વાજિંત્રો વગર માત્ર નોબતના તાલે પીતાંબર ધારી પુરુષોએ ઈશ્વ
323 વર્ષ જૂની પ્રથા ઈશ્વર વિવાહ


જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) જામનગરના ઐતિહાસિક જલાની જાર વિસ્તારમાં છેલ્લા 323 વર્ષથી યોજાતી પ્રાચીન ગરબીમાં આસો સુદ સાતમના દિવસે ‘ઈશ્વર વિવાહ’ની પૌરાણિક પરંપરા ઉજવવામાં આવી છે. કોઈપણ આધુનિક વાજિંત્રો વગર માત્ર નોબતના તાલે પીતાંબર ધારી પુરુષોએ ઈશ્વર વિવાહના ગાન સાથે ગરબા રમીને આ પ્રાચીન લોકપરંપરાને જીવંત રાખી હતી.

આ ધાર્મિક પ્રસંગમાં ઢોલ, તબલા કે હારમોનિયમ જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર નોબતના તાલે છંદ અને દુહાના ગાન વડે ઈશ્વર વિવાહ સંપન્ન થાય છે. નાત-જાતના ભેદભાવ વિના પુરુષો કેશરી પીતાંબર, ધોતીયા, ઝભ્ભા અને બંડી જેવા પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને ભક્તિભાવપૂર્વક રાસ-ગરબા રમે છે.

મહાકાવ્ય સમાન આ ઈશ્વર વિવાહનું રાત્રિ દરમિયાન ચાર વખત ગાન કરવામાં આવે છે. રાત્રે શરૂ થતો આ પ્રસંગ વહેલી સવાર સુધી સતત સાડા ત્રણ કલાક સુધી અવિરતપણે ચાલે છે. નવરાત્રિના સાતમા નોરતે ઈશ્વર વિવાહ પૂર્ણ થયા બાદ વિજયાદશમીની વહેલી સવારે કનકાઈ માતાજીના છંદ અને સ્તુતિ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થાય છે.

આ ગરબીમાં જામનગરના રાજવી પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલો ઐતિહાસિક ચાંદી અને રૂપા જડિત ગરબો આજે પણ મુકાય છે. તેની સાથે અહીં નવ દુર્ગાની ચલિત સ્થાપના ધરાવતી પૌરાણિક પ્રતિમાઓની પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે, જે આ આયોજનનું મુખ્ય આકર્ષણ છે.

આ પૌરાણિક ઈશ્વર વિવાહ અને ગરબીની ભક્તિમય પરંપરાને નિહાળવા માટે જામનગર શહેર ઉપરાંત દેશ-વિદેશમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. શિવાલયોની જેમ જ જલાની જારની આ પ્રાચીન ગરબીએ જામનગર શહેરની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખમાં વધારો કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande