
અમરેલી, 02 ઓક્ટોબર (હિ.સ.)
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો છે. અમરેલી એલસીબીની ટીમે ગુપ્ત બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે કાર્યવાહી કરી આરોપી અયુબ નુરુદ્દીનને રાજસ્થાનમાંથી ઝડપી લીધો હતો.
પોલીસ તપાસ દરમિયાન આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસની પકડથી દૂર રહીને અલગ-અલગ સ્થળોએ રહેતો હોવાનું સામે આવ્યું હતું. આરોપીને ઝડપી લેવા માટે અમરેલી એલસીબી દ્વારા સતત માહિતી એકત્રિત કરવામાં આવી રહી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ રાજસ્થાન પહોંચી હતી.
ત્યાં તપાસ હાથ ધરી આરોપી અયુબ નુરુદ્દીનને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપીની ધરપકડ બાદ તેને સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના આ ગુનામાં તેની ભૂમિકા તેમજ અગાઉના અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે વધુ તપાસ કરવામાં આવશે.
ત્રણ વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં અમરેલી એલસીબીને સફળતા મળતા પોલીસની તપાસને મહત્વપૂર્ણ કડી મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai