


પોરબંદર, 02 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના
તેમજ અસ્થાયી જીવન જીવતા અને પોતાના કાયમી રહેઠાણનો કોઈ આશ્રય ન ધરાવતા પરિવારોને
સ્થાયી રહેઠાણ ઉપલબ્ધ કરાવવાના હેતુથી પાત્ર પરિવારોને રહેણાંક માટે સરકારી જમીન
ઉપર મફત પ્લોટ ફાળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્લોટવિહોણા પરિવારોને રહેઠાણનો કાયમી
આધાર પૂરો પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
પોરબંદરના રિવરફ્રન્ટ વિસ્તારમાં અગાઉ દબાણ
કરીને ઝૂંપડાં બાંધીને વસવાટ કરતા પરિવારોમાં મોટી સંખ્યામાં વિચરતી-વિમુક્ત
જાતિના પરિવારોનો સમાવેશ થતો હોવાથી, આવા પરિવારોને માત્ર સ્થળાંતરિત કરવાને બદલે શહેરની અંદર જ કાયમી અને
સન્માનજનક રહેઠાણનો આધાર મળી રહે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છાયા
વિસ્તારમાં પાત્ર પરિવારોને રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન વહીવટી પ્રક્રિયાને શક્ય
તેટલી સરળ, પારદર્શક અને લાભાર્થીકેન્દ્રિત
રાખવામાં આવી છે. અરજદારોને બિનજરૂરી રીતે વારંવાર કચેરીએ હાજર રહેવું ન પડે તેમજ
જરૂરીયાત સિવાયના દસ્તાવેજો રજૂ કરવાની ફરજ ન પડે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી
છે. દસ્તાવેજોમાં અપૂર્ણતા હોય તેવા કિસ્સાઓમાં પણ સંબંધિત કચેરીઓ વચ્ચે જરૂરી
સંકલન સાધી દસ્તાવેજોની પૂર્તિ તથા ચકાસણીની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા
કરવામાં આવી છે.
પ્લોટ ફાળવણી બાદ લાભાર્થી પરિવારોને મૂળભૂત
નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પણ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા નવા વસાહતી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા યુદ્ધના ધોરણે
ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી
તબક્કામાં મહાનગરપાલિકા દ્વારા અન્ય જરૂરી નાગરિક સુવિધાઓ પણ તબક્કાવાર ઉપલબ્ધ
કરાવવામાં આવનાર છે.
આ સમગ્ર કામગીરીને સુચારુ, સમયબદ્ધ અને અસરકારક રીતે અમલમાં મૂકવા
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કામગીરીના વિવિધ
તબક્કાઓ વચ્ચે જરૂરી સંકલન જળવાઈ રહે તથા પાત્ર લાભાર્થીઓને યોજનાનો લાભ ત્વરિત
અને પારદર્શક રીતે મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સતત
કામગીરી કરવામાં આવી રહી છે.
પાત્ર લાભાર્થીઓને પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં
બિનજરૂરી વિલંબ ન થાય અને જરૂરી દસ્તાવેજી કાર્યવાહી સરળતાથી પૂર્ણ થાય તે માટે
સંબંધિત કચેરીઓ દ્વારા પરસ્પર સંકલન સાધી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમગ્ર
કામગીરી જિલ્લા કલેક્ટર એસ. ડી. ધનાણી તથા નિવાસી અધિક કલેક્ટર મિયાત્રાના
માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરીનો ઉદ્દેશ માત્ર પ્લોટની ફાળવણી પૂરતો
મર્યાદિત નથી, પરંતુ વર્ષોથી સ્થાયી રહેઠાણથી વંચિત
પરિવારોને કાયમી રહેઠાણ માટે જમીનનો આધાર, મૂળભૂત નાગરિક સુવિધાઓ તેમજ સન્માનપૂર્વક જીવન જીવવાની તક ઉપલબ્ધ
કરાવવાનો છે. સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પારદર્શક, સરળ, સમયબદ્ધ અને લાભાર્થીકેન્દ્રિત વહીવટી પ્રક્રિયા દ્વારા પાત્ર
પરિવારો સુધી પહોંચે તે દિશામાં પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત કામગીરી
કરવામાં આવી રહી છે.
આ કામગીરીમાં પ્રાંત અધિકારીઓ એસ. એ. જાદવ તથા નેહા સોજિત્રા, મામલતદાર (સિટી) ભરત સંચાણિયા, મામલતદાર, કુતિયાણા સુમેરા, મામલતદાર, પોરબંદર ગ્રામ્ય કે. જે. મારુ તથા તાલુકા વિકાસ અધિકારી, પોરબંદર ચાવડા સહિત તેમની ટીમો દ્વારા
વિશેષ જહેમત અને સક્રિય સંકલન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ચાવડા તથા ILR કચેરીના નીતિન જોશી દ્વારા પણ જરૂરી
દસ્તાવેજી કાર્યવાહી, ચકાસણી તથા પ્લોટ ફાળવણીની કામગીરીમાં
મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
સંબંધિત તમામ કચેરીઓ અને વિભાગો વચ્ચે સતત
સંકલન જાળવી પાત્ર લાભાર્થીઓને યોજનાનો લાભ બિનજરૂરી વિલંબ વિના મળી રહે તે માટે
સમયબદ્ધ અને સુચારુ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. સંબંધિત વિભાગો તથા કચેરીઓના
સંકલિત પ્રયાસોના પરિણામે પ્લોટવિહોણા વિચરતી-વિમુક્ત જાતિના પાત્ર પરિવારોને
રહેણાંક માટે પ્લોટ ફાળવવાની કામગીરીને વેગ મળ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya