
ભાવનગર, 02 ઓક્ટોબર (હિ.સ.)ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા બસ સ્ટેશન પરિસર અને બસોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. “સ્વચ્છતા હી સેવા” અને “સ્વચ્છતા હી પરમો ધર્મ”ના ઉદ્દેશ્ય સાથે મુસાફરોને બસ તથા બસ સ્ટેશન પરિસરમાં ગંદકી ન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
કેટલાક મુસાફરો દ્વારા જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવું, પાન-મસાલાની પીચકારી મારવી તેમજ કચરો ફેંકવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાથી આવા કિસ્સામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 હેઠળ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સપ્ટેમ્બર-2026 દરમિયાન ભાવનગર વિભાગના વિવિધ ડેપો ખાતે કુલ 480 કેસમાં દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી હેઠળ કુલ રૂ. 4,810ની રકમ દંડ પેટે વસૂલવામાં આવી હતી.
ડેપો મુજબ ભાવનગરમાં 60 કેસમાંથી રૂ. 610, તળાજામાં 60 કેસમાંથી રૂ. 600, મહુવામાં 60 કેસમાંથી રૂ. 600, પાલીતાણામાં 60 કેસમાંથી રૂ. 600, ગારીયાધારમાં 60 કેસમાંથી રૂ. 600, બરવાળામાં 60 કેસમાંથી રૂ. 600, બોટાદમાં 60 કેસમાંથી રૂ. 600 અને ગઢડામાં 60 કેસમાંથી રૂ. 600નો દંડ વસૂલાયો હતો.
એસટી પ્રશાસન દ્વારા મુસાફરોને બસ કે બસ સ્ટેશન પરિસરમાં ધુમ્રપાન ન કરવા, પાન-મસાલાની પીચકારી ન મારવા તેમજ કચરો જ્યાં ત્યાં ન ફેંકી ડસ્ટબિનમાં જ નાખવા અપીલ કરવામાં આવી છે. મુસાફરોના સહયોગથી બસ સ્ટેશન અને બસોમાં સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA